ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓક્ટોબર, 2021
ગુરુવાર.
રાજ્યમાં તબક્કાવાર અનલોકની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. સાથે જ વેક્સિનેશન પણ ઝડપી કરવામાં આવી રહ્યું છે. હાલ કોરોના નિયંત્રણમાં છે, છતાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ સતત માથા પર મંડરાઈ રહ્યું છે. તેથી શક્ય હોય તેટલા જલદી વેકિસનેશનનો કાર્યક્રમ પૂરો કરવાની નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે. તેથી કેન્દ્ર સરકારે દશેરા સુધી દેશમાં 100 કરોડ લોકોને વેક્સિન આપી દેવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે અંતગર્ત ગુરુવારે સવારના રાજયના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ‘ મિશન કવચ કુંડલ યોજના‘ની જાહેરાત કરી હતી. આ યોજના 8થી 14 ઓક્ટોબર સુધી રાજયમાં અમલમાં મૂકાશે. જે હેઠળ રોજ ઓછામા ઓછું 15 લાખ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું રાજેશ ટોપેએ કહ્યું હતું.
ગુરવારના એક પત્રકાર પરિષદમાં રાજેશ ટોપેએ કહ્યું હતું કે અગાઉ આપણી પાસે વેકિસન ઉપલબ્ધ નહોતી. હવે આપણી પાસે 75 લાખ વેક્સિનનો સ્ટોક છે. આજે વધુ 25 લાખ વેક્સિન મળવાની છે. તેથી રોજના 15 લાખ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખીએ તો 6 દિવસમાં આ સ્ટોક પૂરો કરવાનો ઉદ્દેશ આરોગ્ય ખાતાએ રાખ્યો છે.
અત્યાર સુધી વેક્સિનેશનની ટકાવારી જોતા રાજયમાં 9 કરોડ 15 લાખ નાગરિકોને વેક્સિનના બંને ડોઝ આપવાના છે. તેમાંથી 6 કરોડ નાગરિકોએ પહેલા ડોઝ પૂરી કરી લીધો છે. બાકીના 3 કરોડ 20 લાખ લોકોને વેકિસન ઝડપથી આપવાનો લક્ષ્યાંક છે. એવું થયું તો જ રાજયના 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોનો પહેલો ડોઝ પૂરો થશે. અત્યાર સુધી રાજયમાં અઢી કરોડ નાગરિકોને વેકિસનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. 65 ટકા નાગરિકો પહેલો અને 30 ટકા નાગરિકોએ બીજો ડોઝ પૂરો કર્યો છે. હવે પહેલા ડોઝને પ્રાધાન્ય આપવામાં આવવાનું હોવાનું પણ રાજેશ ટોપેએ આ વખતે કહ્યું હતું.