ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 14 ઓક્ટોબર, 2021
ગુરવાર.
કોલસાના અભાવે દેશ એક તરફ ગંભીર વીજ કટોકટી તરફ ધકેલાઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે કોલસાની ખરીદી એડવાન્સમાં નહીં કરીને રાજયમાં કોલસા અને વીજળીની કૃત્રિમ અછત નિર્માણ કરી છે. હવે તે ખાનગી કંપની પાસેથી બમણા દરે વીજળી ખરીદશે, જેને કારણે રાજયમાં કરોડો રૂપિયાનું નુકસાન થશે એવા આરોપ સાથે ભાજપના મુંબઈના પ્રભારી અને કાંદીવલી(ઈસ્ટ)ના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે મહાવિકાસ આઘાડીની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે.
થર્મલ પાવરના ઉત્પાદનમાં લાગનારા કોલસાની જાન્યુઆરીથી જુલાઈ સુધીની મહિનામાં ખરીદી કરીને તેને પોતાના ખાણમાં સ્ટોક કરવાનો બે પત્ર કોલ ઈન્ડિયાએ રાજય સરકારને લખ્યા હતો. છતાં નિષ્ક્રિય રહેલી મહાવિકાસ આઘાડી સરકારે આવશ્યક કોલસાનો સ્ટોક કરવા માટે કોઈ પગલા ઉંચકયા નહોતા,એવા આરોપ ભાજપના મુંબઈ પ્રભારી અને કાંદિવલી(ઈસ્ટ)ના ધારાસભ્ય અતુલ ભાતખલકરે કર્યા છે.
રાજયમાં કોલસાની કૃત્રિમ અછત નિર્માણ કરીને ખાનગી કોન્ટ્રેક્ટરો પાસેથી વધુ દરે વીજળી ખરીદવાનો અને તેનો દોષ કેન્દ્ર સરકારને માથે નાખવાનું નાટક હવે રાજયના ઉર્જા પ્રધાન નિતિન રાઉતે બંધ કરવું જોઈએ. રાજય પર આવેલા કોલસા અછતનું સંકટ અને વીજ અછત માટે મહાવિકાસ આઘાડી સરકારની નિષ્ક્રિયતા જવાબદાર હોવાની ટીકા પણ તેમણે કરી હતી.
અતુલ ભાતખલકરે કહ્યું હતું કે રાજયને આવશ્યકતા મુજબનો કોલસો રાજય સરકારે કોલ ઈન્ડિયા તેમ જ અન્ય કંપનીઓ પાસેથી ખરીદવાની આવશ્યકતા હતી. પરંતુ તેમ નહીં કરતા ફકત કોલ ઈન્ડિયા કંપનીને દોષી સાબિત કરવાનું કામ નિતીન રાઉત કરી રહ્યા છે. રાજયમાં નાગરિકો કોરોનાને કારણે આર્થિક અડચણનો સામનો કરી રહ્યા છે ત્યારે તેવામાં હવે વીજળીના દર વધારો કરીને ફરજિયાત રીતે વીજળીના બિલ વસૂલવામાં આવી રહ્યા છે.
સરકારે જાણીજોઈને કોલસાની ખરીદીમાં બેદરકારી દાખવી હોવાના આરોપ સાથે અતુલ ભાતખલકરે કહ્યું હતું કે કોલસા ખરીદીમાં કોલ ઈન્ડિયાની લગભગ 3,000 કરોડ રૂપિયાની બાકી રહેલી રકમ ચૂકવી ના શકતા હોય તો 1,000 કરોડ રૂપિયા ભરીને આગામી વર્ષ માટે તો કોલસો વેચાતો લે એવી સૂચના કરવામાં આવી હતી. પરંતુ મે સુધી તેના પર રાજય સરકારે કંઈ કર્યું નહીં. જૂન મહિનામાં ફક્ત 100 કરોડ રૂપિયા આપીને ચોમાસાની શરૂઆતમાં કોલસો વેચાતો લીધો હતો. પ્રધાનોને તેમના ખાનગી બંગલાના રીનોવેશન માટે પૈસા છે. પરંતુ કોલસાની ખરીદી કરવા માટે તેમની પાસે પૈસા નથી. કોલ ઈન્ડિયાના બાકી રહેલા પૈસા ચૂકવવા માટે તેમની પાસે ભંડોળ નહીં હોવાનો દાવો ઉર્જા ખાતુ કરી રહ્યું છે. તેની સામે રાજયમાં કૃત્રિમ રીતે કોલસાની અને વીજળીની અછત બતાવીને ખાનગી કંપની પાસેથી બમણા દરે વીજળી ખરીદવાની સરકારે યોજના બનાવી છે. તેને કારણે નાગરિકો પર 500 કરોડ રૂપિયાનો વધારાનો બોજો આવી પડશે. જે એક પ્રકારનો ભ્રષ્ટાચાર હોવાનો આરોપ પણ અતુલ ભાતખલકરે કર્યો હતો.