ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
મુંબઈ મહાનગરપાલિકાની મુદત પૂરી થવાની હોવાથી મહારાષ્ટ્ર રાજ્ય કેબિનેટની બેઠકમાં એડમિનિસ્ટર (વહીવટદાર)ની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની સાથે જ અન્ય નવ મહત્ત્વની મહાનગરપાલિકાઓની મુદત પણ પૂરી થઈ રહી છે. તેથી પાલિકાઓ પર વહીવટકર્તાઓની નિમણૂક કરવાની પ્રક્રિયા સરકારે ચાલુ કરી દીધી છે.
વિરોધ પક્ષોએ જોકે સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. રાજકીય સ્તરે એવું ચર્ચાઈ રહ્યું છે કે રાજ્ય સરકાર ઓબીસીના રાજકીય અનામત અને વોર્ડ માળખાના આધારે ચૂંટણી મોકૂફ રાખવાનો પ્રયાસ કરી રહી છે.
રાજ્યના મહત્વના કોર્પોરેશનોની મુદત આગામી બે મહિનામાં પૂર્ણ થઈ રહી છે. મહાવિકાસ આઘાડી માટે આ મહાનગરપાલિકાની લડાઈ મહત્વની બની રહેશે. જોકે, OBC રાજકીય અનામતનો મુદ્દો અને વોર્ડ રચનાનો મુદ્દો મહાવિકાસ આઘાડી સરકાર માટે મોટો માથાનો દુખાવો બની શકે છે. તેથી, કોરોનાના મહામારીને આગળ કરીને આ દસ મહત્વની મહાગનરપાલિકાની ચૂંટણીઓ મુલતવી રાખવાની તૈયારીઓ કરી રહી હોવાનું કહેવાય છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં સુધારો કરીને પ્રશાસકની નિમણૂક કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર બાકીના કોર્પોરેશનોમાં પણ આ જ નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે.
આ પહેલા પણ પાંચ મહાનગરપાલિકાઓની મુદત 2020માં પુરી થઈ ગઈ છે. ઔરંગાબાદ, નવી મુંબઈ, વસઈ વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી અને કોલ્હાપુર એમ પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદત પૂરી થઈ ગઈ છે. રાજ્ય સરકારે કોરોનાને કારણે પાંચેય નગરપાલિકાઓ માટે વહીવટકર્તાઓની નિમણૂક કરી છે. હવે આગામી દસ મહાનગરપાલિકાઓ માટે વહીવટદારોની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ 10 મહત્વપૂર્ણ મહાનગરપાલિકાની માર્ચ અને એપ્રિલમાં મુદત સમાપ્ત થઈ રહી છે, જેમાં મુંબઈ મહાનગરપાલિકા, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન, પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન, સોલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન, અકોલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
આ દસ મહત્વના કોર્પોરેશન માટે વહીવટદારોની નિમણૂક કરવાની તૈયારી ચાલી રહી છે. મે થી ઓક્ટોબર મહિનામાં અન્ય આઠ મહાનગરપાલિકાઓની મુદત પૂરી થઈ રહી છે જેમાં લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશન, પરભણી મ્યુનિસિપલ કોર્પોરેશન, ચંદ્રપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, ભિવંડી-નિઝામપુર, માલેગાંવ, પનવેલ મીરા-ભાઈંદર અને નાંદેડ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.