ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓનો પૉઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે. હાલમાં તે સરરાશ 22 ટકા જેટલો છે. આ દરને વધુ ઘટાડવાની જરૂર હોવાથી રાજ્યના પાલકપ્રધાન જયંત પાટીલે પોલીસને નિયંત્રણોનો કડક અમલ કરવા નિર્દેશ આપ્યો છે. જે ગામમાં પ્રતિબંધોને સારી રીતે લાગુ કરાયા હતા ત્યાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે,એથી તેમણે આ નિર્દેશ કર્યો હતો.
જયંત પાટીલે જિલ્લાઓના અધિકારીઓ સાથે એક ઑનલાઇન બેઠક યોજી હતી એમાં જણાવ્યું હતું કે જિલ્લામાં મ્યુકરમાયક્રોસિસનું જોખમ વધી રહ્યું છે. એથી આ દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટરોએ આ રોગનું જોખમ ઓછું કરવા માટે કેવી રીતે વધારે કાળજી લેવી એ અંગે ઑનલાઇન વર્કશૉપ લેવી જોઈએ. આ ઉપરાંત, આરોગ્ય તંત્રે દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાથી મ્યુકરમાયક્રોસિસના ઉપચાર માટે જરૂરી સ્ટૉકની ઉપલબ્ધતા માટે યોજના બનાવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં રાજ્યપ્રધાન ડૉ. વિશ્વજિત કદમ, ધારાસભ્ય અનિલ બાબર સહિત બીજા અધિકારીઓ અને ધારાસભ્યો સામેલ હતા. જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી જિતેન્દ્ર ડુડીએ જણાવ્યું હતું કે ત્રીજી લહેરના સંદર્ભમાં બાળરોગ ચિકિત્સકો દ્વારા મોડ્યુલ વિકસિત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો સર્વે શિક્ષકો અને આંગણવાડી સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવશે.
