ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
10 ડિસેમ્બર 2020
પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના સેંકડો કાર્યકરોએ જીવ ગુમાવ્યો છે. અહીં હિંસા અને ખૂનનો સમયગાળો સતત ચાલુ રહયો છે. કોલકોતા ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના કાફલા ઉપર જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો છે, ત્યાર બાદ બીજેપીએ મમતા બેનર્જી ની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, લોકશાહીમાં આનાથી ખરાબ ઘટના બીજી હોઇ શકે નહીં.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, રાજ્યમાં અરાજકતા વધી રહી છે. ટીએમસી કાર્યકરો પર દરરોજ ખૂનખરાબીનો આરોપ લાગે છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓની રેલીઓમાં બોમ્બ વિસ્ફોટના અહેવાલો પણ બહાર આવે છે. આજે પણ નડ્ડા બંગાળ પહોંચ્યા હોવાનો વિરોધ કરી રહેલા લોકોએ તેના કાફલાને ડાયમંડ હાર્બરમાંથી પસાર થતો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત કાફલામાં સમાવિષ્ટ વાહનો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં વાહનોના કાચ પણ તૂટી ગયા છે.
જેપી નડ્ડા બે દિવસીય બંગાળ પ્રવાસ પર પહોંચ્યા છે, જ્યાં આજે તેમનો બીજો અને છેલ્લો દિવસ છે. ભાજપના રાજ્ય એકમના સૂત્રોનું કહેવું છે કે નડ્ડાના સભા સ્થળ પરથી પાર્ટીના બેનરો ફાડી નાખવામાં આવ્યાં હતા અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કાર્યકરોને માર માર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં 'જંગલ રાજ' ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ સરકારને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પહેલા જ પત્ર લખી બંગાળમાં જેપી નડ્ડા પર હુમલો થવાની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ બંગાળ પોલીસએ તેમની સલામતી પ્રત્યેનું ગંભીરતાથી ધ્યાન આપ્યુ નથી. તે ખૂબ બેદરકાર છે. એમ ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે..