News Continuous Bureau | Mumbai
Surat : રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ(Civil Hospital) ખાતે આજે એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર થી છ વર્ષની વયના ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’(Cochlear Implant) ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. મૂળ અને સુરત સિવિલ અને અમદાવાદ સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી સફળતાપૂર્વક ચાર સર્જરી કરીને સુરતમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બે, અમરેલી જિલ્લાના એક અને બારડોલીના વતની એક એમ કુલ ચાર પરિવારોના મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) ત્રણ બાળકો અને એક બાળકીને ‘વાણી-શ્રવણ’ અને નવી જિંદગીની ભેટ આપી છે.
પ્રાઈવેટ હોસ્પિટલમાં જે સર્જરીનો રૂ.૮ થી ૧૦ લાખ જેટલો ખર્ચ થતો હોય છે, તે સર્જરી નવી સિવિલમાં ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ અંતર્ગત નિ:શુલ્ક(free of cost) કરવામાં આવતા ચાર મધ્યમવર્ગીય પરિવારોને મોટી આર્થિક રાહત સાથે બાળકોને નવી જિંદગી મળી છે. મૂળ જલગાંવ, મહારાષ્ટ્રના અને હાલ સુરતના ભેસ્તાનમાં રહેતા સોમનાથ મરાઠેના ૪ વર્ષીય પુત્ર કુણાલ, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના વતની અને હાલ વરાછામાં રહેતા લક્ષ્મણભાઈ રાણાવાડીયાની ૪ વર્ષીય પુત્રી વૈશાલી, બારડોલીના અનિલભાઈ હળપતિના ૫ વર્ષીય પુત્ર પ્રિન્સ અને મૂળ મહારાષ્ટ્રના અને સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ રાઠોડના ૫ વર્ષીય પુત્ર સમરની સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સર્જરી(surgery) સુરત અને અને અમદાવાદ સિવિલના તજજ્ઞ તબીબોએ સફળતાપૂર્વક પાર પાડી છે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 26 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
જન્મથી મૂકબધિર ચાર બાળકોના પરિવારો માટે ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશાનું કિરણ બનીને આવ્યો છે. આ બાળકોના પરિવારજનોએ સરકારની સહાયથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન થતા સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે સિવિલના ENT વિભાગના વડા ડૉ. જૈમિન કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે, આ સર્જરી જેટલી નાની વયે થઈ શકે એમાં એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે. તેમજ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ ૧ થી ૨ વર્ષ સુધી બાળકોને ‘ઓડિટરી વર્બલ થેરપી’(ATB) માટેની જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે. જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે.
નોંધનીય છે કે, ૬ વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યારબાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.૮ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે.
નવી સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરના માર્ગદર્શનમાં GMERS(ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી)- મેડિકલ કોલેજ, સોલાના ડીન ડો. ડૉ.નીના ભાલોડિયા, બી.જે. મેડિકલ કોલેજ-અમદાવાદના સહ પ્રાધ્યાપક ડૉ.દેવાંગ ગુપ્તા, પ્રિન્સિપલ ઓડિયોલોજીસ્ટ અને ઓડિયોલોજી કોલેજ-સોલા(અમદાવાદ)ના સહ પ્રાધ્યાપક ડૉ.ગુંજન મહેતા, એનેસ્થેટીસ્ટ ટીમના ડો.જિજ્ઞાસા પટેલ (AP) અને ટીમ, આર.એમ.ઓ.ડૉ કેતન નાયકના સહિયારા પ્રયાસો અને ટીમવર્કથી નવી સિવિલના ENT વિભાગના વડા ડૉ. જૈમિન કોન્ટ્રાકટર અને સહ પ્રાધ્યાપક ડૉ. રાહુલ પટેલ દ્વારા આ ચાર સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સર્જરી પાર પાડવામાં આવી હતી. સર્જરીમાં નર્સિંગ સ્ટાફ, ઓ.ટી.સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ પણ સફળ સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.