News Continuous Bureau | Mumbai
Surat Diamond Traders – સુરતમાં હીરાના વેપારીઓ દ્વારા નવા વ્યાપારિક સંગઠન સુરત ડાયમંડ ટ્રેડર્સ એસોસિએશન-SDTAની રચના કરવામાં આવી છે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે SDTAનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હીરા ઉદ્યોગકારોને સંબોધતા ગૃહરાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત હીરા અને ટેક્સટાઇલ ક્ષેત્રે સૌથી વધુ રોજગારી આપતું શહેર બન્યું છે. સુરતના ખજોદ ખાતે નિર્માણાધિન સુરત ડાયમંડ બુર્સ આવનારી પેઢીનું ભવિષ્ય અને હીરા વ્યાપારની દિશા બદલશે, જે હીરા ઉદ્યોગકારો, વ્યાપારીઓની એકતાનું પ્રતિક બનશે.
સુરતની ધરતી પર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોનું મિલનની નિમિત્ત બની છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, હીરા બજારમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો એક સાથે બેઠા હોય તો ક્યારેય ખબર નથી પડતી કે આ ઉત્તર ગુજરાતના લોકો છે કે સૌરાષ્ટ્રના છે. સામૂહિક પ્રયાસોથી સુરત અને સુરતી ઉદ્યોગોને બ્રાન્ડ બનાવવા હીરા ઉદ્યોગપતિઓને આહ્વાન કર્યું હતું.
વધુમાં ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરતની ધરતીની ક્ષમતા અને સામર્થ્ય જ કંઈક અલગ છે. જેટલી સરકારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી એટલી જ સામાજિક વ્યવસ્થા ઊભી કરવામાં કોઈ શહેર સફળ થયું હોય તો તે આપણું આ સુરત છે. સાથે એસોસિએશન એ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોનો અવાજ છે, એટલે એસોસિએશનની કમિટીમાં એ પ્રકારની વ્યવસ્થા ઉભી થવી જરૂરી છે કે ટ્રેડર્સ સાથે છેતરપિંડી થઈ હોય ત્યારે આરોપીઓ સામે સરળતાથી કાર્યવાહી કરી શકે.
આ સમાચાર પણ વાંચો: નમ્રતા મલ્લાએ સાડી અને બ્રેલેટ માં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર, તસવીરો થઇ ઇન્ટરનેટ પર વાયરલ
સસ્તા ભાવે, અડધા ભાવની લાલચમાં આવી માલ લીધો હશે તેવા કેસમાં જે વેપારીનો માલ હોય છે તે જ હીરાના માલનો સાચો હકદાર ગણાશે. અને હીરા વ્યવસાય વિશ્વાસ પર ટકી રહ્યો છે, ત્યારે ઉત્તમ વ્યાપારિક પ્રણાલી સ્થાપિત થાય એ માટે ચિઠ્ઠીની જગ્યાએ ચેક લેવાનો આગ્રહ રાખવા હાજર સૌ ટ્રેડર્સને અનુરોધ કર્યો હતો.
આ અવસરે મેયર હેમાલીબેન બોઘાવાલા, હીરા ઉદ્યોગ અગ્રણી અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ગણમાન્ય ઉદ્યોગકારો સર્વશ્રી સેવંતીભાઈ શાહ, લાલજીભાઈ પટેલ, બકુલભાઈ ગજેરા, ચંદ્રકાંતભાઈ સંઘવી, કેશુભાઈ ગોટી, દિનેશભાઈ નાવડીયા, જનકભાઈ મિસ્ત્રી, અશોકભાઈ દોશી, હસમુખભાઈ કોઠારી, મુકેશભાઈ અજબાણી, પ્રવિણભાઈ આંબાણી, કમલેશભાઈ, ચેતનભાઈ મહેતા, નાનુભાઈ વેકરિયા, દિનેશભાઈ લાબડીયા, નંદલાલ નાકરાણી, બાબુભાઈ વાઘાણી, વિજયભાઈ માંગુકિયા, સહિત મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત ટ્રેડર્સ એસોસિએશન ઉમદા પ્લેટફોર્મ બનશે
આ સંગઠનના ફાઉન્ડર કમિટીના સદસ્ય હિતેશ મહેતાના જણાવ્યા મુજબ સુરત ડાયમંડ ટ્રેડિંગ એસો. સાથે અત્યાર સુધી ૬૦૦ જેટલા ડાયમંડ ટ્રેડર્સ જોડાયા છે. સૌ વેપારીઓ માટે ઉમદા પ્લેટફોર્મ બની રહેશે. ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે આવનારા સમયમાં વૈશ્વિક પડકારો છે તેની સામે યોગ્ય માર્કેટિંગ કરીને માલ મોકલી શકાય, વ્યાપારની ઉજ્જવળ તકો ટ્રેડર્સને મળી રહે અને તે દિશામાં સંગઠન દ્વારા કામગીરી કરવામાં આવશે. તે ઉપરાંત આ સંગઠન દ્વારા સમાજ ઉપયોગી સામાજિક કાર્યો પણ હાથ ધરવામાં આવશે.