ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 13 એપ્રિલ 2021.
મંગળવાર.
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તમિલનાડુ સરકારે કમર કસી લીધી છે. આ સંદર્ભે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તમિલનાડુમાં દરરોજ ઓછામાં ઓછા 90 હજાર આરટી પીસીઆર પદ્ધતિ દ્વારા કોરોના પરીક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલ્લાની સ્વામીએ સોમવારે તબીબી ક્ષેત્રના વિશેષજ્ઞનો સાથે એક ખાસ બેઠક યોજી હતી. તે દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત કોવિડથી પ્રભાવિત હોય તેવા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કોરોના પરીક્ષણ થવું જરૂરી છે. સાથેજ એક ફીવર કેમ્પ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી સંક્રમિત વ્યક્તિઓનો વહેલામાં વહેલી તકે તાગ મેળવી શકાય. આ બેઠક દરમિયાન જાહેર કરવામાં આવ્યું છે કે જો કોઈ ચોક્કસ વિસ્તારની ત્રણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થયેલી જણાય તો તે વિસ્તારને અથવા એ તેમના રહેઠાણના મકાનને માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન ઘોષિત કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ સરકારે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં મૃત્યુના દરને ઓછો કરવા માટે સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલી એસઓપી ગાઇડલાઇન નું કડક રીતે પાલન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
