ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 મે 2021
શુક્રવાર
તહેલકા મૅગેઝિનના ભૂતપૂર્વ એડિટર ઇન ચીફ અને ફાઉન્ડર તરુણ તેજપાલને યૌનશોષણ કેસના તમામ આરોપથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ગોવાની ફાસ્ટ ટ્રૅક કોર્ટે આ ચુકાદો આપતાં તરુણ તેજપાલને રાહત થઈ છે. નવેમ્બર 2013માં મહિલા સહકર્મચારીએ તેમના પર શારીરિક શોષણનો આરોપ મૂક્યો હતો.
ઍડિશનલ સેશન્સ કોર્ટે તરુણ તેજપાલને ગોવાની એક હૉટેલમાં તેની સહકર્મચારીએ કરેલા યૌનશોષણના કથિત કેસથી મુક્ત કર્યા હતા. કોર્ટથી રાહત મળ્યા બાદ તરુણ તેજપાલે કહ્યું હતું કે 2013માં તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. ગોવામાં ઍડિશનલ સેશન જજની ટ્રાયલમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2013માં નૉર્થ ગોવાની એક ફાઇવ સ્ટાર હૉટેલમાં આયોજિત એક ઈવેન્ટ દરમિયાન તરુણ તેજપાલ પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ગોવા પોલીસે તરુણ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. તેની જામીનની અરજી ખારિજ થયા બાદ 30 નવેમ્બર, 2013ના ધરપકડ કરવામાં આવી હતી. મે, 2014માં તેની માતાના અંતિમસંસ્કાર માટે તે વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો ત્યારથી તે બહાર જ હતો. જુલાઈ 2014માં તેને જમાનત મળી હતી.