ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
બિહાર વિધાનસભા પેટાચૂંટણી 2021 માટે કુશેશ્વર સ્થાન અને તારાપુર સીટ પર ચૂંટણીપ્રચાર બાબતે રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી રજૂ કરી છે. એમાં અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ પહેલા અને બીજા નંબરે તેજસ્વી યાદવનું નામ છે. 20 લોકોની આ યાદીમાં લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા અને પોતાને સેકન્ડ લાલુ કહેવાવાળા તેજ પ્રતાપ યાદવ આ યાદીમાંથી બહાર થઈ ગયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે કૉન્ગ્રેસ નેતા અશોક રામે તેજ પ્રતાપ યાદવ સાથે મુલાકાત કરીને કૉન્ગ્રેસ તરફથી પ્રચાર કરવાનું આમંત્રણ આપ્યું છે. જોકે તેજ પ્રતાપે હાલમાં સ્પષ્ટ વાત કરી નથી કે તેઓ શું કરવાના છે.
20 સ્ટાર પ્રચારકોની યાદીમાં તેજ પ્રતાપ યાદવનું નામ ન હોવાનું દેખાડે છે કે તેમનો દબદબો હવે RJDમાં પહેલાં જેવો નથી રહ્યો. જોકે આ યાદીમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી રાબડીદેવી અને નિશા ભારતીનું નામ પણ નથી.
RJDના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે તેજપ્રતાપને યાદીમાંથી બહાર કરવાનો પ્રશ્ન જ નથી. તેઓ જાતે જ બહાર થઈ ગયા છે. તેમણે જે સંગઠન બનાવ્યું છે એ RJDથી અલગ છે. તેજ પ્રતાપે પોતે જ કહ્યું હતું કે પાર્ટી તરફથી RJDનું ચૂંટણીચિહ્ન લાલટેનને ઉપયોગ કરવાની મનાઈ કરાઈ છે. એવામાં તેમના હોવા કે ન હોવાનો શું પ્રશ્ન છે?