ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 19 એપ્રિલ 2021.
સોમવાર.
મહારાષ્ટ્ર અને ગુજરાતના મહાનગરોમાં વધી રહેલા કોરોના સંક્રમણ ની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. વલસાડમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા કલેકટર ની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને જિલ્લાના વેપારી એસોસિએશન, મેડિકલ એસોસિએશનના તબીબો સહિતના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના પગલા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વલસાડમાં 20 એપ્રિલથી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ લોકડાઉન પિરિયડ દરમિયાન જિલ્લામાં જરૂરી સેવાઓ જેવી કે દવા, દૂધ અને શાકભાજીની દુકાનોને છૂટ આપવામાં આવી છે.
આગામી 10 દિવસ સુધી જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવશે. જો કે આજે લોકડાઉનના એક દિવસ પહેલા બજારોમાં ખરીદી માટે ગ્રાહકોની ભીડ જામેલી જોવા મળી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.વલસાડ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એક મહિના પહેલા 20 માર્ચના રોજ વલસાડ જિલ્લામાં કુલ 1403 કોરોના સંક્રમિત કેસો નોંધાયા હતા. જે પૈકી 21 એક્ટિવ કેસ હતા. 1229 કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર મેળવી ડિસ્ચાર્જ થયા હતા. અને કુલ 153 કોરોના સંક્રમીત દર્દીઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જયારે 18 એપ્રિલ સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમિતોનો આંકડો 2030 સુધી પહોંચી ચૂક્યો છે. જે પૈકી 1478 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે, જ્યારે કુલ 181 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.