ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ગુજરાતમાં ઝડપી વેગે ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ધીમી ગતિએ ચાલી રહેલા કામને ઝડપી બનાવવાનું કામ પણ શરૂ થયું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ્વે કોર્પોરેશને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)થી કલ્યાણ શિલફાટા સુધીના 21 કિલોમીટર લાંબા રૂટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રથી 155.76 કિમી, ગુજરાતથી 384.04 કિમી અને દાદરા-નગર હવેલીથી 4.3 કિમીનું અંતર કાપશે. મહારાષ્ટ્રમાં માત્ર 31 ટકા, ગુજરાતમાં 97 ટકા અને દાદરા-નગર હવેલીમાં 100 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે.
બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને થાણેના શિલફાટા વચ્ચે સમુદ્રની નીચે ટનલના કામ માટે બીડ માર્ચ સુધીમાં સબમિટ કરવાની રહેશે અને આગામી વર્ષના અંત સુધીમાં બાંધકામ શરૂ થવાની શક્યતા છે. અંડરગ્રાઉન્ડ ટનલ 13.1 મીટર વ્યાસનો સિંગલ-ટ્યુબ ટ્વીન ટ્રેક હશે, જે બીકેસીથી શરૂ થશે અને શિલફાટા પર સમાપ્ત થશે. કુલ 20.37કિમી માંથી, 15.42કિમી ટનલિંગનું કામ ત્રણ ટનલ-બોરિંગ મશીનો (TBM) વડે હાથ ધરવામાં આવશે અને બાકીના 4.96કિમીને નવી ઑસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિથી હાથ ધરવામાં આવશે. NHSRCLએ 21 કિમીના ટનલિંગ કામ માટે બીડ મગાવી છે. આ પેકેજ જાપાની અને ભારતીય કંપનીઓ માટે ખુલ્લું છે, તેવું NHSRCLના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે કુલ 432.67 હેક્ટર જમીનની જરૂર છે અને અત્યાર સુધીમાં માત્ર 134.31 હેક્ટર જમીન જ સંપાદિત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે બુલેટ ટ્રેનના કામને ઝડપી બનાવવા માટે રોકાયેલા છે.
નેશનલ હાઈ સ્પીડ રેલ્વે કોર્પોરેશન પાસે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સથી કલ્યાણ શિલફાટા સુધીનો 21 કિલોમીટરનો ભૂગર્ભ માર્ગ હશે અને તે થાણેની ખાડીમાંથી પસાર થશે. થાણે ખાડીથી લગભગ 7 કિમીનો રોડ બનાવવામાં આવશે. આ માટે સર્વેક્ષણ પૂર્ણ કરાયું છે અને કામ ત્રણ તબક્કામાં પાર પડશે.
