ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
માસ્ક, રસીકરણ અને વારંવાર લાદવામાં આવતા લોકડાઉનની સામે થાણેમાં સ્વદેશી સેના અને થાણેના સ્થાનિક વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં આંદોલન કર્યું હતું.
પ્રજાસત્તાક દિવસે સ્વદેશી સેના અને સ્થાનિક વેપારી આગેવાનો દ્વારા ફરજિયાત પહેરવા પડતા માસ્ક, ફરજિયાત વેક્સિનેશન અને વારંવાર લોકડાઉન જેવા પ્રતિબંધોના વિરોધમાં થાણે સ્ટેશનના અશોક ટોકીઝ ખાતેથી ડો. બાબાસાહેબ આંબેડકરના પૂતળા પાસે સુધી એક રેલીનું આયોજન કર્યું હતું.
દેશમાં લોકશાહી હજુ જીવંત છે એવા દાવા સાથે વેપારીઓએ માસ્ક ફરજિયાત નહીં પહેરનારાઓ પાસેથી વસૂલવામાં આવતો દંડ, વેક્સિન નહીં લેનારાઓને સહન કરવા પડતા પ્રતિબંધો, RTPCR ટેસ્ટ સહિત લોકડાઉનને પગલે થયેલા નુકસાનની ભરપાઈ કરવાની માગણી જેવા જુદા જુદા મુદ્દાઓ પર આ આંદોલન કર્યું હતું.
સ્વદેશી સેનાના કાર્યકરોએ થાણે સ્ટેશનથી રેલી કાઢીને સ્ટેશન રોડથી બાબાસાહેબ આંબેડકરના પૂતળા સુધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આંબેડકરના પૂતળા પાસે ઉભા રહીને રેલીને સંબોધીને જનજાગૃતિ લાવવાના પ્રયાસો કરાયા હતા.
થાણેના વેપારીઓએ આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બે વર્ષના લાંબા કોરોના સમયગાળા દરમિયાન ખેડૂતો કરતાં વધુ વેપારીઓએ આત્મહત્યા કરી છે. છતાં હજી સુધી એક પણ વેપારીને લોકડાઉનના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવી નથી, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ મળવી જોઈતી હતી. સરકાર વેપારીઓની અવગણના કરવામાં આવી રહી છે. માસ્ક વિશે પણ, સરકાર તરફથી આરટીઆઈમાં આપવામાં આવેલા જવાબ મુજબ, ફક્ત બીમાર વ્યક્તિઓએ જ માસ્ક પહેરવું જરૂરી છે પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તે બધા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને જો ભૂલથી પણ માસ્ક યોગ્ય રીતે ન પહેરવામાં આવે તો દંડ કરવામાં આવે છે. અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ અંતિમ માર્ગદર્શિકા અનુસાર, જો ગ્રાહક માસ્ક પહેર્યા વિના દુકાનો પર આવે છે, તો વેપારી પાસેથી 10000 રૂપિયાનો દંડ વસૂલવાનો આદેશ છે, જે સંપૂર્ણપણે અયોગ્ય છે.
સ્વદેશી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મદન દુબેએ મિડિયાને કહ્યું હતું કે લોકડાઉન ન લાદવું જોઈએ, આર્થિક નુકસાનથી ધંધા-રોજગાર ખતમ થવાના આરે છે, હવે જો ફરીથી લોકડાઉન લાગુ થશે તો વેપારીઓ પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે.