ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
કોરોનાના કેસ દેશભરમાં વધી રહ્યા છે અનેમહારાષ્ટ્ર આ યાદીમાં મોખરે છે. એવામાં કોલ્હાપુરમાં લોકોએ લાપરવાહીની હદ વટાવી હતી. કોલ્હાપુરના એક વિસ્તારમાં મફત શ્રીખંડ મેળવવા માટે લોકોએ લાંબી લાઇન લગાવી હતી. હાલ રાજ્ય સહિત અહીં પણ લોકડાઉન છે જ, છતાં આ ઘટના બની હતી.
હકીકતમાં કોલ્હાપુરમાં ડાભોળકર કોર્નર વિસ્તારમાં વારણા મિલ્ક સેન્ટર પર મફત શ્રીખંડનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. એથી લોકોએ ત્યાં બહુ લાંબી કતાર લગાવી હતી. એક તરફ જ્યારે કોરોનાની સંખ્યા વધી રહી છે, ત્યારે આ પ્રકારની ઘટના થોડી વિચિત્ર છે. કોલ્હાપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને કડક લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોલ્હાપુર પોલીસને આ પ્રકારની માહિતી મળી ત્યારે તેઓ સમજી ગયા હતા કે કોઈપણ પરવાનગી લીધા વિના વિતરણ ચાલી રહ્યું છે. પોલીસે લોકોને ભીડ ઓછી કરવા અપીલ કરી હતી અને મફતમાં થઈ રહેલા શ્રીખંડનું વિતરણ પણ બંધ કરાવ્યું હતું.