ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
કોરોનાની ત્રીજી લહેરના જોખમને પગલે મહારાષ્ટ્રમાં સ્કૂલ ફરી બંધ કરી દેવામાં આવી હતી. તાજેતરમાં મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ પણ બહુ જલદી સ્કૂલ ચાલુ કરવાની જાહેરાત કરી હતી. ચાઈલ્ડ ટાસ્ક ફોર્સના સભ્યો પણ રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે હકારાત્મક છે. આજે તેમની બેઠકમાં તે બાબતે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.
કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને કારણે સરકારે રાજ્યમાં 15 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે શાળા શરૂ કરવા અંગે વાલીઓ અલગ-અલગ અભિપ્રાય ધરાવે છે અને 15 દિવસ પછી તેના પર પુનર્વિચાર કરવામાં આવશે.
જોકે ચાઈલ્ડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. બકુલ પારેખએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, "ઓમાઈક્રોનની પૃષ્ઠભૂમિ સામે રાજ્યમાં વધતી જતી કોરોના દર્દીઓની સંખ્યાને જોતા, ઘણા વાલીઓ તેમના બાળકોને આવી સ્થિતિમાં શાળાએ મોકલવામાં અચકાતા હતા. જોકે અંગત રીતે માનવા મુજબ શક્ય તેટલી વહેલી તકે શાળાઓ ફરીથી ખોલવી જોઈએ. બાળકો ઘરે બેસીને કંટાળી ગયા છીએ. મહારાષ્ટ્રમાં બધી શાળાઓ એક જ સમયે ફરી ખોલવામાં આવશે કે કેમ તે ખબર નથી. જોકે મુંબઈમાં શાળા શરૂ થવા માટે હજુ દસ દિવસ રાહ જોવી પડશે. જો કેસો વધુ ઘટે તો શાળા શરૂ કરવા માટે ઠીક રહેશે. ટાસ્ક ફોર્સના સભ્યો વૈજ્ઞાનિક આધાર પર નિર્ણય લેશે અને અભિપ્રાય રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
અહી ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ઈંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટીસ અસોસિયેશન (મેસ્ટા) સાથે સંલગ્ન ઈગ્લિંશ મિડિયમની સ્કૂલો મુંબઈ સિવાય રાજ્યમાં સોમવાર, 17 જાન્યુઆરીથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટી એસોસિએશન (મેસ્ટા)ના પ્રમુખ સંજય તાયડેએ એક મીડિયા હાઉસને આપેલી માહિતી મુજબ માતા-પિતાની સંમતિ પત્ર મળ્યા બાદ જ આ શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.
મહારાષ્ટ્રમાં મેસ્ટા સાથે જોડાયેલી 18,000 શાળાઓ છે. આ પૈકી ઘણી સ્કૂલના મેનેજમેન્ટ સ્કૂલ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત મેસ્ટાએ મુંબઈ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં 1થી 12મો અને શહેરી વિસ્તારોમાં 8થી 12મો વર્ગ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.