ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
મહારાષ્ટ્રના રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના પ્રધાન ધનંજય મુંડેની તકલીફો વધતી જ જાય છે. ધનંજય મુંડેની બીજી પત્ની કરુણાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે કે મારા પતિ એટલે કે ધનંજય મુંડેએ ધારાસભ્ય બનીને અબજો રૂપિયા કમાઈ લીધા છે.
પોતાના પત્રમાં તેમણે જણાવ્યું છે કે મારા પતિ ધનંજય મુંડે પાસે નરીમાન પૉઇન્ટ અને સાન્તાક્રુઝ આ બે વિસ્તારમાં ફ્લૅટ છે. આ ઉપરાંત બીડમાં ફાર્મ હાઉસ છે તેમ જ પુનામાં એક બંગલો પણ છે.
કરુણાએ આ સંદર્ભે ફેસબુક ઉપર એક વીડિયો પણ જાહેર કર્યો છે. તેણે જણાવ્યું કે મહારાષ્ટ્રના તમામ પ્રધાનો પાસે અઢળક પૈસો હોવાને કારણે ધારાસભ્યોના નિવાસસ્થાન પાછળ ૯૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાની કોઈ જરૂર નથી.
ધનંજય મુંડેની બીજી પત્ની કરુણાના આ પત્રને કારણે ધનંજય મુંડે વધુ એક વખત તકલીફમાં આવ્યા છે, તેમ જ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીની આબરૂના ધજાગરા ઊડી રહ્યા છે.