ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
દહેજની લાલચમાં પત્નીને સાપ કરડાવીને મારનાર પતિને કોર્ટે હત્યારો ઠરાવ્યો છે. આવતી કાલે કેરળની સેશન્સ કોર્ટમાં તેને સજા ફટકારવામાં આવશે. સૂરજ નામની વ્યક્તિ 25 વર્ષની પત્ની ઉથરાને દહેજ માટે હેરાન કરતો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સૂરજને આરોપી ઠરાવ્યો છે. બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે ઉથરાની મોત પ્રાથમિક રૂપે સાપ કરડવાથી થઈ છે. જ્યારે ફરિયાદી પક્ષ મુજબ તેના પતિએ બે વખત સાપ દ્વારા ઉથરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો.
કેસ મુજબ ઉથરા કેરળથી 40 કિ.મી. દૂર પોતાની માતાના ઘરે હતી ત્યારે 7મી મે, 2020ના રોજ સર્પદંશથી તેનું મૃત્યુ થયું હતું. ઉથરાના પિયરના લોકોએ પતિ સૂરજ ઉપર આરોપ લગાવ્યો હતો કે તેણે જ રૂમમાં કોબ્રાને છોડ્યો હતો. આ કાવતરું રચતાં પહેલાં સૂરજે ઉથરાને ઊંઘની ગોળી પણ ખવડાવી હતી.
દિલ્હી બાદ હવે ભારે વરસાદને કારણે આ શહેરનું ઍરપૉર્ટ જળબંબાકાર, મુસાફરોને ટ્રૅક્ટરમાં ગેટ સુધી લઈ જવાયા! જુઓ વીડિયો
ઉથરાની માતાએ કોર્ટમાં કહ્યું હતું કે તેની દીકરી અને જમાઈ બન્ને તેના ઘરે રોકાયા હતા. રાતના જમ્યા બાદ બન્ને સૂવા જતાં રહ્યાં. સૂરજને મોડા ઊઠવાની ટેવ છે, પણ એ દિવસે વહેલો ઊઠીને ક્યાંક બહાર જતો રહ્યો.
ઉથરા પથારીમાં પડી રહી હતી. જે જોઈને તેની માતા રૂમમાં તેને ઉઠાડવા ગઈ અને દીકરીને બેહોશ હાલતમાં જોઈ તપાસ કરતાં સમજાયું કે સાપના ડંખથી ઉથરા મૃત્યુ પામી હતી.
સૂરજે આ પહેલાં પણ આવું કર્યું હતું. 2 માર્ચ, 2020ના રોજ ઉથરા રસેલ વાઇપર સાપ કરડવાથી તે બીમાર થઈ ગઈ હતી અને 52 દિવસ સુધી પથારીવશ રહી હતી. ત્યાર બાદ તેની પ્લાસ્ટિક સર્જરી પણ કરાવવી પડી હતી. ઉથરાની માતાએ જણાવ્યું હતું કે સૂરજને લગ્ન વખતે દહેજ આપ્યું હતું. જેમાં દસ લાખ રૂપિયા રોકડા, પ્રૉપર્ટી, નવી કાર અને સોનું હતું. લગ્નનાં બે વર્ષ પછી સૂરજ વધુ દહેજની માગણી કરવા લાગ્યો હતો. ઉથરાના મૃત્યુ બાદ તેના પરિવારે સૂરજ પર કરેલા આક્ષેપ મુજબ ૨૪મી મેના રોજ તેની ધરપકડ થઈ હતી. 12મી જુલાઈએ સૂરજે સાર્વજનિક રીતે સ્વીકાર્યું હતું કે તેણે બે વખત દસ હજાર રૂપિયામાં બે સાપ લીધા હતા.
જોકે જેની પાસેથી સૂરજે સાપ લીધા હતા એ પણ આરોપી જ ગણાય, પરંતુ ડિસેમ્બરમાં થયેલા મુકદમામાં તે સરકારી સાક્ષી બની ગયો. સુનાવણી દરમિયાન તેણે કોર્ટને જણાવ્યું હતું કે સાપ ખરીદવા પાછળનો સૂરજનો ઇરાદો તેને ખબર ન હતો.