ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
હાલમાં જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. તેવામાં મહારાષ્ટ્રના રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં કાચબાની એક દુર્લભ પ્રજાતિ ઓલિવ રિડલના ૨૯ માળખાને નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં લગભગ ૨,૦૦૦થી ૩,૦૦૦ હજાર ઈંડાં હતા.
રાજ્યના વન વિભાગ દ્વારા નિયુક્ત સ્થાનિકો આ જિલ્લાઓમાં દરિયાઈ ટર્ટલ સંરક્ષણ માટે હેચરી (ઈંડાં સેવનગૃહ) ચલાવે છે. આ મહિને ૨,૦૦૦ થી ૩,૦૦૦ હજાર ઓલિવ રિડલ ઈંડાં ઉતારવાનાં હતાં, તેને નુકસાન થયું હોવાનો ડર નિષ્ણાતોને સતાવે છે. આ બાબતે મેન્ગ્રોવ ફાઉન્ડેશનના સમુદ્રી જીવવિજ્ઞાનિક હર્ષલ કાર્વેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “સદભાગ્યે, મોટાભાગનાં ઈંડાં પહેલેથી જ એપ્રિલ અને મે દરમિયાન આવી ચૂક્યાં છે. સોમવારે ચક્રવાતને કારણે કેટલાંક માળખાંને નોંધપાત્ર રીતે નુકસાન થયું હતું.”
ઉલ્લેખનીય છે કે રત્નાગિરિના કોલથરે બીચ પર નવ, ગુહાગરમાં આઠ, ડભોલમાં બે અને કરડે, વેલાસ, અંજારલે અને ગૌહખાદી પર એક-એક માળખાને નુકસાન થયું છે. તો સિંધુદુર્ગની વાયાંગણી અને શિરોડા અનુક્રમે ચાર અને બે માળખાને નુકસાન થયું હતું.