ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
આજથી દેશમાં જ્વેલર્સો માટે નવો નિયમ અમલમાં આવ્યો છે, જે અંતર્ગત અતિશુદ્ધ સોનાના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે અને હોલમાર્કિંગ ફરજિયાત બનાવાયું છે. 15 જાન્યુઆરીના આ આદેશનું પાલન ન કરનાર જ્વેલર સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ નિયમ 1 જૂનથી અમલમાં આવવાનો હતો, પરંતુ હવે બૉમ્બે હાઈ કોર્ટે દંડાત્મક કાર્યવાહી સામે ૨૯ જૂન સુધી જ્વેલર્સોને રાહત આપી છે.
પુણે સરાફ ઍસોસિયેશન જ્વેર્સના સંગઠને 21 મેના રોજ કરેલી અરજીમાં આ આદેશને રદ કરવાની માગણી કરી હતી. આ આદેશ અનુસાર જૂન મહિનાથી તમામ જ્વેલર્સોએ બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)માં નોંધણી કરાવવી ફરજિયાત છે. 14, 18 અને 22 કૅરેટના સોનામાંથી બનાવેલા હોલમાર્કવાળા જ દાગીના વેચવાનું ફરજિયાત કરાયું છે. અરજીમાં સંગઠને જણાવ્યું હતું કે નિયમનો અમલ કરવા માટે માળખાકીય સુવિધાની તદ્દન અછત છે.
મહારાષ્ટ્રમાં કોરોના કાબુમાં, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ધરખમ ઘટાડો; જાણો તાજા આંકડા
કોર્ટે દલીલો સાંભળ્યા બાદ કેન્દ્ર સરકારને સૂચન કર્યું હતું કે મહારાષ્ટ્રના 26 જિલ્લામાંથી 22માં હોલમાર્કિંગનાં વધુ કેન્દ્રો ઊભાં કરવામાં આવે, જ્યાં હાલ કોઈ હોલમાર્કિંગ કેન્દ્ર નથી. ગ્રાહકોની સુરક્ષા અને ગેરરીતિને અટકાવવા માટે હોલમાર્કિંગ જરૂરી છે, તેથી કોર્ટે આ આદેશ સામે સ્ટે આપ્યો નથી, પરંતુ માળખાકીય સુવિધાની અછત અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કોર્ટે ૨૯ જૂન સુધી દંડાત્મક કાર્યવાહીથી મુક્તિ આપી છે. આ બાબતે આગામી સુનાવણી ૨૯ જૂનને રોજ હાથ ધરાશે.