News Continuous Bureau | Mumbai
MOPSW : બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દેશના આર્થિક વિકાસને વધારવા માટે બંદરો પર શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં(Gujarat) ભારતના પશ્ચિમ દરિયાકાંઠાનાં અગ્રણી મુખ્ય બંદર દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) સંયુક્ત આરબ અમીરાતના દુબઈ(Dubai) સ્થિત બહુરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ કંપની ડી.પી. વર્લ્ડ સાથે ગુજરાતના ટુના-ટેકરા(Tuna-Tekra) (કંડલા નજીક) ખાતે નવા મેગા કન્ટેનર ટર્મિનલના વિકાસ, સંચાલન અને જાળવણી માટે રાહત કરાર પર હસ્તાક્ષર કરી રહ્યું છે. આ કન્સેશન એગ્રીમેન્ટ પર 25 ઑગસ્ટ, 2023ના રોજ દીનદયાળ પોર્ટ ઑથોરિટી અને ડીપી વર્લ્ડ વચ્ચે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તથા ડીપી વર્લ્ડના ગ્રૂપ ચેરમેન અને સીઇઓ મહામહિમ સુલતાન અહમદ બિન સુલેયમની ઉપસ્થિતિમાં ટેક્ટિક 1 એન્ડ 2, એલોફ્ટ હૉટેલ એરોસિટી, નવી દિલ્હી ખાતે રાત્રે 8 વાગ્યાથી હસ્તાક્ષર કરવામાં આવશે. આ હસ્તાક્ષર દરમિયાન બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુર તથા અન્ય મહાનુભવો પણ ઉપસ્થિત રહેશે.
આ પરિયોજનામાં કંડલા નજીક ટુના-ટેકરા ખાતે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) માધ્યમથી 4,243.64 કરોડ રૂપિયાના ખર્ચે મેગા કન્ટેનર ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે. એક વખત આ ટર્મિનલનું નિર્માણ પૂર્ણ થયા બાદ તેની વાર્ષિક ક્ષમતા 2.19 મિલિયન કન્ટેનર યુનિટ્સ (ટીઇયુ)નું સંચાલન કરવાની હશે, જે 18,000થી વધારે ટીઇયુનું વહન કરતાં આગામી પેઢીનાં જહાજોનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવશે.
આ સમાચાર પણ વાંચો : AFG vs PAK: બાબર આઝમે કોહલી-ધવનનો રેકોર્ડ તોડ્યો, … જાણો શું છે આ રેકોર્ડ …
નવું ટર્મિનલ ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાંથી વેપારની ભવિષ્યની માગને પહોંચી વળશે, જે આ પ્રદેશોને વૈશ્વિક બજારો સાથે જોડશે. આ પ્રોજેક્ટ ભારત સરકારનાં વિઝન 2047 સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ બંદરનાં સંચાલનની ક્ષમતાને ચાર ગણી કરવાનો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા મલ્ટિમૉડલ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો છે.
હિન્દુસ્તાન ઇન્ફ્રાલોગ પ્રાઇવેટ લિમિટેડ (ડીપી વર્લ્ડ અને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એનઆઇઆઇએફ)નાં એસપીવી સાથે 30 વર્ષનાં પીપીપી પ્રોજેક્ટ કરાર બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) આધારે થયો છે, જે 50 વર્ષ સુધી લંબાવી શકાશે. આ કન્ટેનર ટર્મિનલ ગ્રીન પોર્ટ માર્ગદર્શિકાને સંપૂર્ણ અનુરૂપ હશે, જે બંદર પર્યાવરણ વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવીને બંદરની કામગીરીમાં સ્થિરતા સુનિશ્ચિત કરશે, જે ભારત સરકાર દ્વારા નિર્ધારિત લાંબા ગાળાના સ્થિરતા લક્ષ્યાંકોમાં યોગદાન આપશે.
આ પ્રોજેક્ટથી કંડલા ખાડીમાં ઓછી ભીડ, મોટાં કન્ટેનર જહાજોને સંભાળવાની ક્ષમતામાં વધારો, ટર્નઅરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો અને દેશમાં કાર્યક્ષમ અને સ્થિતિસ્થાપક પુરવઠા સાંકળનાં નિર્માણ માટે અન્ય ઘણા ફાયદાઓની દ્રષ્ટિએ કાર્યકારી કાર્યક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે. રસ્તાઓ, રેલ અને ધોરીમાર્ગોનાં વિશાળ નેટવર્ક દ્વારા મલ્ટીમૉડલ કનેક્ટિવિટીથી સજ્જ આ ટર્મિનલ અંતરિયાળ વિસ્તારો અને વૈશ્વિક બજારો વચ્ચે પ્રવેશદ્વાર પૂરો પાડશે.
આ પ્રોજેક્ટ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનનો ભાગ છે અને તે પ્રધાનમંત્રી દ્વારા કલ્પના કરવામાં આવેલી ભારત સરકારની બહુવિધ પહેલ જેવી કે જેમ કે પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટર પ્લાન અને નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીમાં પૂરક બનશે.