ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
મરાઠા આરક્ષણ અંગે સાંસદ સંભાજી રાજે છત્રપતિએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આ બાબતે તેમણે યોજેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે “અમારે કોઈની સાથે ઝઘડવું નથી, આપણા મરાઠા સમુદાયને ન્યાય આપો. હું આ કોઈ પણ પક્ષ વતી કે રાજકીય ભૂમિકા લઈને બોલતો નથી. હું કોઈ પણ પક્ષની ટીકા કરવા માગતો નથી. આરક્ષણ મુદ્દે મરાઠા સમાજ નારાજ છે અને મારા કારણે મરાઠા સમુદાય શાંતિપૂર્ણ છે.”
તેમણે આ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ત્રણ વિકલ્પ આપ્યા હતા. પહેલો કે રિવ્યુ પિટિશન ફાઇલ કરવાની 4 તારીખ છે, પરંતુ કોવિડને કારણે એ મુલતવી રાખવામાં આવી છે. પ્રથમ વિકલ્પ લોકોને બતાવવા માટે નથી, પરંતુ ફૂલપ્રૂફ હોવા જોઈએ. બીજો વિકલ્પ રિવ્યુ પિટિશનનો છે અને ત્રીજો વિકલ્પ છે 342-A અનુસાર રાજ્યપાલ પાસે પ્રસ્તાવ મોકલવામાં આવે, જે આગળ રાષ્ટ્રપતિ વતી સંસદમાં જશે.
દરમિયાન તેમણે ઉમેર્યું હતું કે “ઘણા લોકો ઇચ્છે છે કે અમે OBCમાં જઈએ. શરદ પવાર, મુખ્ય પ્રધાન ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસે કહેવું જોઈએ કે નવી કૅટેગરી બનાવી શકાય છે. વંચિતોને પ્રથમ અનામત મળે એ સુનિશ્ચિત કરવાની મારી ભૂમિકા છે.” રાજેએ કહ્યું હતું કે ૬ જૂન પહેલા સરકાર પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે અન્યથા ૬ જૂને છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના દિવસથી રાયગઢમાંથી જ આંદોલન શરૂ કરાશે.
આ રાજ્યે કરી મોટી જાહેરાત, ૩૧ મે પછી અનલૉકની પ્રક્રિયા શરૂ થશે
ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ ન્યાયાલયે 9 સપ્ટેમ્બર, 2020 પૂર્વ મરાઠા આરક્ષણ અંતર્ગત થયેલી નિયુક્તિને મંજૂરી આપી હતી.