ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 2 એપ્રિલ 2021
શુક્રવાર
કોરોનાને કારણે મહારાષ્ટ્ર પછી દિલ્હીમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ છે. દિલ્હી દેશની રાજધાની છે, તેમ છતાં હજી અહીં કોરોના કાબૂમાં આવી નથી. આ સંદર્ભે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે એક તત્કાળ બેઠક બોલાવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હીમાં પરિસ્થિતિ ઘણી જ ભયજનક છે, તેમ છતાં પણ લોકડાઉન લાદવામાં આવશે નહિ.
તેમણે જણાવ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર છે, પરંતુ દિલ્હીમાં આ ચોથી લહેર છે. કોરોના ખૂબ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ મરણાંક નીચો છે. તેથી ગભરાવાની જરૂર નથી. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 3583 કેસ નોંધાયા છે. પહેલાં ઓક્ટોબરમાં જયારે 3000-4000 કેસ દરરોજ આવતા હતા ત્યારે આઈ.સી.યુ.માં લગભગ 1700 દર્દી હતા અને અત્યારે માત્ર 800 એટલે કે 50% જેટલા જ દર્દી છે.
કેજરીવાલે ઉમેર્યું હતું કે આ વેવ ગંભીર નથી અને દર્દી હોમ આઇસોલેશનમાં પણ સાજા થઈ રહ્યા છે, માટે અત્યારે સરકારનો લોકડાઉન કરવાનો પ્લાન નથી. ભવિષ્યમાં સ્થિતિ પ્રમાણે નિર્ણય કરવામાં આવશે. આજે અમે મિટિંગમાં સુનિશ્ચિત કર્યું છે કે હોસ્પિટલની સુવિધા વધુ સારી બને જેથી જો સ્થિતિ કથળે તો તેને કાબુમાં લઈ શકાય.