ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર, 2021
બુધવાર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડેટા સાયન્સ જેવી એન્જિનિયરિંગની ઉભરતી શાખાઓમાં આ વર્ષે વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ શકે છે. રાજ્યના CET સેલમાં આ વર્ષે ઉમેદવારોની અરજીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
જ્યારે વર્ષ 2020માં રાજ્યમાં કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા (CAP) માટે 96,337 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જ્યારે ચાલુ વર્ષમાં સંખ્યા લગભગ 15% વધી છે. જેને લીધે એન્જિનિયરિંગમાં એડમિશન વધે તેવી શક્યતા છે.
આ વર્ષે મંગળવાર સુધીમાં લગભગ 1.1 લાખ વિદ્યાર્થીઓએ કેન્દ્રિય પ્રક્રિયા માટે નોંધણી કરાવી છે. 2020માં, CAP માટે નોંધણી કરાવનારા 96,337માંથી, 68,451એ એન્જિનિરિંગમાં પ્રવેશ લીધો હતો. ઓલ-ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા વધુ કોમ્પ્યુટર-સંબંધિત અભ્યાસક્રમો ઓફર કરવામાં આવ્યા છે. જેથી આ એન્જિનિયરિંગ શાખામાં રજિસ્ટ્રેશન વધવાની શક્યતા છે. કાઉન્સિલ પણ ગયા વર્ષથી આ અભ્યાસક્રમોને પ્રોત્સાહન આપી રહી છે. CET સેલના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે વર્ગો ઓનલાઈન ચાલવાથી મોટાભાગના વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન માધ્યમથી પરિચિત થયા છે. જ્યારે AICTE નવા અભ્યાસક્રમોને પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ પણ ઑનલાઇન દ્વારા ઘણું સંશોધન કરી રહ્યા છે. ઉપલબ્ધ નવા અભ્યાસક્રમો વિશે વધુ જાણકારી મેળવી રહ્યા છે.
ગયા વર્ષના એન્જિનિરિંગમાં પ્રવેશ દરમિયાન કોમ્પ્યુટર અને આઈટી-સંબંધિત અભ્યાસક્રમો અગ્ર સ્થાને રહ્યા હતા. કોવિડ રોગચાળા પછી આ અભ્યાસક્રમોમાં ખાલી સીટની સંખ્યા પણ અગાઉના વર્ષના 30-35%થી ઘટીને 10-15% થઈ ગઈ છે. ગયા વર્ષે દાખલ કરાયેલી AI, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ જેવી નવી શાખાઓમાં પણ સીટો ભરાઈ ગઈ હતી. તેનાથી વિપરીત, મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં લગભગ 60-70% ખાલી સીટો નોંધવામાં આવી હતી.
કોમ્પ્યુટર અને આઇટીમાં ઉભરતા અને સંલગ્ન ક્ષેત્રોમાં રસ વિદ્યાર્થીઓમાં વધી રહ્યો છે. AICTE એ છેલ્લા શૈક્ષણિક વર્ષથી આ નવા અભ્યાસક્રમો ઓફર કરવા માટે ઘણી કોલેજોને મંજૂરી પણ આપી છે. પ્રથમ વર્ષમાં પણ મોટાભાગની સીટો લગભગ ભરાઈ ગઈ છે. ડીજે સંઘવી કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલે એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું કે કોરોના પછી આ નવા કોર્સમાં સારા પગારના પેકેટો સાથે પુષ્કળ નોકરીઓ ઉપલબ્ધ છે. તેથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, સાયબર સિક્યુરિટી અને કોર્સીસ બ્લોકચેન ટેકનોલોજી કોર્સ ઘણી કોલેજો દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે.