ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રની બૉમ્બે હાઈ કોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતાં જણાવ્યું છે કે એક ફ્લૅટના માલિક એકથી વધુ વાહન રાખી નહીં શકે. આ મામલામાં અધિકારીઓને નિર્દેશ આપતાં જણાવ્યું કે જે લોકો પાસે ઘણી કારો છે અને પાર્કિંગની જગ્યા નથી તેમને એકથી વધુ પર્સનલ વાહન રાખવાની પરવાનગી મળશે નહીં. સુનાવણી દરમિયાન હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી. એસ. કુલકર્ણીની પેનલે કહ્યું કે અધિકારીઓએ એવા લોકો કે જેમની પાસે ફક્ત એક ફ્લૅટ છે અને તેમની કૉલોની કે સોસાયટીઓમાં ગાડીઓ ઊભી કરવા માટે પૂરતી જગ્યા નથી તેમને ચાર કે પાંચ ગાડીઓ રાખવાની પરવાનગી આપવી જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે નવી મુંબઈમાં રહેતા સંદીપ ઠાકુરે અરજી દાખલ કરી હતી. આ જાહેરહિતની અરજી પર હાઈ કોર્ટે સુનાવણી કરી હતી. એમાં તેમણે એક સરકારી આદેશને પડકાર આપતાં અરજી દાખલ કરી હતી. એકીકૃત વિકાસ નિયંત્રણ તેમ જ સંવર્ધન નિયામક કાયદામાં સુધારો કરતાં ફ્લૅટ અને બિલ્ડિંગ બનાવનાર ડેવલપરને પાર્કિગની જગ્યા ઓછી કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઠાકુરે પોતાની અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે ડેવલપર નવાં બિલ્ડિંગોમાં પાર્કિંગ માટે યોગ્ય જગ્યા નથી આપતા. જેને લઈને કૉલોનીઓ અને સોસાયટીમાં રહેતા લોકોને બહાર રસ્તા પર ગાડીઓ પાર્કિંગ કરવી પડે છે.
સરકારની આ નિતી સામે દેશભરના ઝવેરીઓ ની હડતાળ ની ચીમકી;જાણો વિગત
આ ઉપરાંત હાઈ કોર્ટે કહ્યું કે નવી ગાડીઓની કિંમત ઓછી કરવાની જરૂર છે, જે લોકો સરળતાથી ગાડીઓ ખરીદી શકે છે તેમને ચાર-પાંચ ગાડીઓ રાખવાની મંજૂરી આપવી ખોટું છે. ગાડીઓ લેતાં પહેલાં તમારે એ જોવું પડશે કે ગાડી પાર્ક કરવા માટે તમારી પાસે પૂરતી જગ્યા છે કે નહીં. કોર્ટે ગાડીઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે વર્તમાનમાં રસ્તાઓની બંને બાજુનો 30 ટકા ભાગ પાર્કિંગના કારણે ઘેરાયેલો રહે છે. ગાડીઓ રસ્તા પર આ રીતે ઊભી કરવાની વાત સામાન્ય થઈ ગઈ છે. આ સાથે કોર્ટે રાજ્યના વકીલ મનીષ પાબલેને બે સપ્તાહમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.