ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
૧૯ મે ૨૦૨૧
બુધવાર
ઇટાનગરના બાયોલૉજિકલ પાર્કમાં મંગળવારે બપોરે એક વાઘણે 35 વર્ષના પ્રાણીસંગ્રહાલયના કર્મચારીનો શિકાર કરી તેને ફાડી ખાધો હતો. આ કર્મચારીનું ત્યાં ને ત્યાં જ નિધન થયું હતું.
પ્રાણીસંગ્રહાલયના અધિકારી રાયા ફ્લાગોએ આ ઘટના અંગે જાણકારી આપતાં કહ્યું કે ‘’આસામના લખિમપુર જિલ્લામાં ધેકિયાજુલીમાં રહેવાવાળો પલાશ કર્માકર જ્યારે વાઘણના પાંજરા પાસે પાણીની ટાંકી સાફ કરવા ગયો ત્યારે વાઘણે તેના પર હુમલો કરી દીધો હતો. આ ઘટના મંગળવારે બપોરે અઢી વાગ્યે બની હતી. મને અન્ય એક કર્મચારીએ આવીને આ ઘટનાની જાણ કરી હતી. જ્યારે ઘટનાસ્થળે અમે એક ડૉક્ટર અને અન્ય કર્મચારીઓ સાથે પહોંચ્યો ત્યારે કર્મચારીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેનું મોઢું લોહીથી લથપથ હતું.’’
ઘટના અંગે વધુ જાણકારી આપતાં ફ્લાગોએ કહ્યું કે ‘’વાઘણના પાંજરામાં જવા માટે ત્રણ દરવાજા હતા અને ત્રણેય દરવાજા ખુલ્લા રહી ગયા હતા. લાગે છે કે આ જ કારણે વાઘણે બહાર આવી કર્મચારી પર હુમલો કર્યો હતો.’’
આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને અપ્રાકૃતિક ઘટનાનો કેસ દાખલ કરી શબને મિશન હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યું છે. જે વાઘણે આ હુમલો કર્યો હતો તે 'ચિપ્પી' રૉયલ બંગાળ પ્રજાતિની હતી. વર્ષ 2013થી આ વાઘણ પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવી છે.