ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
કોરોનાના વળતાં પાણી છતાં સરકારના કડક પ્રતિબંધોનો અને દુકાનો સીમિત સમયસીમામાં જ ખુલ્લી રાખવાના નિયમના વિરોધમાં હવે સાંગલીના વેપારીઓ રસ્તા પર ઊતર્યા છે. સાંગલીના વેપારીઓએ આજે ભીખ માગો આંદોલન કર્યું હતું. આજે સાંગલીના હરભટ રોડ પર વેપારીઓએ હાથમાં કાળું પ્લેકાર્ડ લઈ સરકારની આ નીતિ વિરુદ્ધ આંદોલન કર્યું હતું.
છેલ્લા લગભગ દોઢ વર્ષમાં દુકાનો સાતથી આઠ મહિના માટે બંધ રહી હોવાથી વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. ધંધો બંધ હોવા છતાં વેપારીઓએ કર્મચારીઓનો પગાર, લાઇટ બિલ, GST, પ્રૉપર્ટી ટૅક્સ, પાણીવેરો, દુકાનોનું ભાડું અને લોનના હપ્તા ભર્યા હતા. હવે તેમની હાલત કફોડી બનતાં તેમણે સરકાર પાસે આ ખર્ચા પૂરા કરવા ભીખ માગી હતી.
સ્થાનિક વેપારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે “કોરોનાએ વૈશ્વિક સંકટ છે. એવામાં સરકાર જ્યાં ભીડ ઓછી થાય છે એવી દુકાનો બંધ કરાવે છે અને જ્યાં વધુ ભીડ થાય છે તેઓને સરળતાથી ધંધો કરવા મળે છે. આ રીતે મહામારીનો અંત આવશે નહિ.”
કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે લીલાલહેર; સરકારે મોંઘવારી ભથ્થામાં આટલો ધરખમ વધારો કર્યો, જાણો વિગત
આ સંદર્ભે ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશન (FRTWA)ના પ્રેસિડેન્ટ વિરેન શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “લાંબા સમયથી પોતાનો ધંધો બંધ હોવાથી વેપારીઓ હવે કંટાળી ગયા છે. ઉપરાંત સરકારે ટૅક્સમાં પણ કોઈ છૂટછાટ આપી નથી.” વ્યાપારીઓની મુખ્ય માગણી છે કે સરકાર હવે તેમને દુકાન આખો દિવસ ચાલુ રાખવાની પરવાનગી આપે.