ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
29 ઓક્ટોબર 2020
ત્રણ વર્ષની અપહૃત બાળકીને બચાવવા માટે ઉત્તર પ્રદેશના લલિતપુરથી ઉપડેલી ટ્રેનને નોનસ્ટોપ 240 કિલોમીટર દોડાવવામાં આવી હતી અને આખરે તે મધ્ય પ્રદેશના ભોપાલમાં અટકી ત્યારે પોલીસે બાળકી સહિત અપહરણકારને ઝડપી લીધો હતો. અપહરણ કર્તા બાળકીનો પિતા જ હતો. પત્ની સાથે ઝઘડો થતાં તે બાળકીને લઈને મધ્ય પ્રદેેશ જતી ટ્રેનમાં બેસી ગયો હતો.
લલિતપુર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસએ જણાવ્યું કે, લલિતપુર રેલવે સ્ટેશન પર વહેલી પરોઢે એક મહિલાએ આવીને રેલ્વે પોલીસના જવાનોને કહ્યું હતુ કે, મારી નાનકડી પુત્રીનું અપહરણ થઈ ગયું છે અને અપહરણકાર તેને લઈને ટ્રેનમાં બેસી ગયો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ નાનકડી બાળકીને લઈને મધ્ય પ્રદેશ જતી રાપ્તી સાગર સુુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ચઢતો જોવા મળ્યો હતો.
આ ઘટનાની જાણ રેલવે પોલીસે ઝાંસી જંકશનના ઈન્સ્પેક્ટરને કરી હતી. તેમણે ભોપાલ ખાતેના ઓપરેટિંગ કન્ટ્રોલ રૂમને જાણ કરી.. ટ્રેનના પાયલટને વચ્ચેના તમામ સ્ટેશનોને પડતા મૂકીને ટ્રેનને સીધી ભોપાલ જંકશને જ અટકાવવાની સૂચના આપવામાં આવી હતી. નોનસ્ટોપ 240 કિ.મી. નો પ્રવાસ ખેડીને ટ્રેન ભોપાલ જંકશને અટકી ત્યારે રેલવે પોલીસે બાળકીની સાથે અપહરણકારને પકડી લીધો હતો. આ પછી બીજા દિવસે આ લોકોને લલિતપુર પાછા લાવવામાં આવ્યા હતા અને પતિ-પત્ની વચ્ચે સમાધાનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.