News Continuous Bureau | Mumbai
- સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા શ્રી ડૉ. રાકેશ જોષીની માતા પિતાને ચેતવણી: બાળકોમાં વાળ કે અજાણી વસ્તુ ખાવાની ટેવ બની શકે છે ખતરનાક
છે ને નવાઈ!
સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ 7 વર્ષના બાળકની હોજરીમાંથી વાળનો વિશાળ ગૂચ્છો કાઢ્યો!
અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ મધ્યપ્રદેશના રતલામના 7 વર્ષના બાળક સુભમ નિમાણાના પેટ અને નાના આંતરડામાંથી વાળ, ઘાસ અને શૂ લેસના દોરાનો ગઠ્ઠો (ટ્રાઇકોબેઝોઅર) સફળતાપૂર્વક દૂર કર્યો છે. બાળકોમાં થતી આ અત્યંત દુર્લભ બિમારીનું પ્રમાણ માત્ર 0.3–0.5% જેટલું છે.
સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા શ્રી ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સુભમને છેલ્લા બે મહિના થી પેટમાં દુખાવો, ઉલટી અને વજન ઘટવાની સમસ્યા હતી. અગાઉ મધ્યપ્રદેશની ખાનગી હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરી લગભગ 2 લાખ રૂપિયા ખર્ચાયા છતાં તેને રાહત ન મળી. બાદમાં તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.
સીટીસ્કેન અને એન્ડોસ્કોપી બાદ ડૉક્ટરોને પેટમાં વાળ અને દોરાનો ગઠ્ઠો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ, પ્રોફેસર ડૉ. જયશ્રી રામજીની આગેવાનીમાં જટિલ એક્સપ્લોરેટરી લેપ્રોટોમી સર્જરી કરીને ગઠ્ઠો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો. એનેસ્થેસિયાની જવાબદારી પ્રોફેસર ડૉ. શકુંતલા ગોસ્વામી અને એસોસિએટ પ્રોફેસર ડૉ. ભારત મહેશ્વરીની ટીમે સંભાળી હતી.
આ પ્રક્રિયામાં ઓપરેશન પછીના છ દિવસ સુધી બાળકને મોઢેથી ખોરાક ન આપતા સાતમા દિવસે ડાઈ ટેસ્ટ કરી પેટમાં કોઈ અવશેષ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. સાથોસાથ મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ કરી ભવિષ્યમાં આવી આદત ન પડે તે માટે માર્ગદર્શન અપાયું. હાલ સુભમ સ્વસ્થ છે અને તેને રજા અપાઈ છે.
આ સમાચાર પણ વાંચો : Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા શ્રી ડૉ. રાકેશ જોષી ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, ટ્રાઇકોબેઝોઅર, એટલે કે વાળનો ગૂચ્છો બાળકોમાં થતી એક અત્યંત દુર્લભ સમસ્યા છે. બેઝોઅરના મુખ્ય ચાર પ્રકાર છે: ટ્રાઇકોબેઝોઅર એટલે વાળનો ગૂચ્છો, ફાઇટોબેઝોઅર એટલે શાકભાજી કે ફળના રેશાનો ગૂચ્છો, લેક્ટોબેઝોઅર એટલે દૂધનો ગૂચ્છો, ફાર્માકોબેઝોઅર એટલે દવાઓની ગાંઠ.
આ રોગના લક્ષણોમાં વારંવાર પેટમાં દુખાવો કે ફૂલવું, ઉબકા-ઉલ્ટી, ખાવાનું મન ન થવું, વજન ઘટવું, કબજિયાત અથવા આંતરડામાં અવરોધ જેવી સમસ્યાઓ જોવા મળે છે. નાના બેઝોઅર હોય તો એન્ડોસ્કોપીથી દૂર કરી શકાય છે, જ્યારે મોટા માટે સર્જરી જરૂરી બને છે. આવા કેસમાં માનસિક કાઉન્સેલિંગ પણ મહત્વપૂર્ણ બની જાય છે.
સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા શ્રી ડૉ. રાકેશ જોષીના કહેવા પ્રમાણે, માતા-પિતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં બાળકોને વાળ કે અજાણી વસ્તુ ખાવાની ટેવ હોય તો તરત જ ધ્યાન આપવું, ખોરાક સારી રીતે ચવીને ખાવાનું શીખવવું, નવજાતમાં ઘટ્ટ દૂધ/ફોર્મ્યુલા ટાળવું, ડૉક્ટરની સલાહ વગર દવા વધારે માત્રામાં ન આપવી અને વારંવાર પેટની તકલીફ થાય તો તરત બાળ સર્જનનો સંપર્ક કરવો જોઈએ.