ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેએ સોમવારે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીના નેતાઓ (જેમાં તેમનો પક્ષ પણ ભાગીદાર છે)તેમના આંદોલન પર નજર રાખી રહ્યા છે. પટોલેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને NCP તરફથી ગૃહપ્રધાન અજિત પવારને દરરોજ સવારે ગુપ્તચર તરફથી મારી તમામ મિટિંગો વિશેના અહેવાલ મળે છે.
કૉન્ગ્રેસ પોતાને પુનર્સ્થાપિત કરવા જે પગલાં લઈ રહી છે એનાથી અજિત પાવર અને ઉદ્ધવ ઠાકરે હચમચી ગયા છે. લોનાવાલામાં મળેલી સભામાં પાર્ટીના કાર્યકરોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે દરરોજ સવારે નવ વાગ્યે રાજ્યમાં શું થઈ રહ્યું છે એ અંગે મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને એક ગુપ્તઅહેવાલ સુપરત કરવામાં આવે છે. કૉન્ગ્રેસ પોતાને પુનર્સ્થાપિત કરી રહી છે અને આ અહેવાલને કારણે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. હું અહીં લોનાવાલામાં છું અને આ અહેવાલ પણ તેઓને મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કૉન્ગ્રેસ મહારાષ્ટ્રમાં ફરીથી પ્રસ્થાપિત થઈ રહી છે અને એ મહાવિકાસ આઘાડી (MVA) સરકારના અન્ય સાથી પક્ષોને ખટકે છે.