ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
મુખ્ય પ્રધાન માટે આપત્તિજનક શબ્દો ઉચ્ચારનારા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડનો બનાવ હજી તાજો છે. મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. શિવસેનાની સાથે જ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પણ નારાયણ રાણે સામેની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહી છે ત્યારે નારાયણ રાણે જેવા જ વિવાદસ્પદ નિવેદન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ ભૂતકાળમાં કરી ચૂક્યા હોવાની યાદ ભાજપે કરાવી છે. એક રૅલીમાં ઉદ્ધવ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ માટે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, ત્યારે તો ઉદ્ધવ ઠાકરે સામે આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, તો હવે નારાયણ રાણે સામે કેમ પગલાં લેવામાં આવ્યાં એવી દલીલ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે.
2018માં મે મહિનામાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો. એ સમયે ભાજપ અને શિવસેનાના સંબંધોમાં કડવાશ આવી ચૂકી હતી. એ દરમિયાન વિરારમાં એક રૅલીમાં ઉદ્ધવ ઠાકરેએ આદિત્યનાથને ચંપલથી મારવાની વાત ઉચ્ચારી હતી. તેમણે રૅલીમાં કહ્યું હતું કે ‘‘શિવાજી મહારાજની પ્રતિમાને માળા અર્પણ કરવા માટે યોગી આદિત્યનાથ ચંપલ પહેરીને ગયા હતા. આવું કરીને તેમણે શિવાજી મહારાજનું અપમાન કર્યું છે. યોગી તો ગૅસના ફુગ્ગા જેવો છે, જે ફક્ત હવામાં ઊડતો રહે છે. આવ્યો અને સીધો ચંપલ પહેરીને મહારાજ પાસે ચાલ્યો હતો. મને એવું લાગે છે કે તેને ચંપલથી મારું.”