ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના જૂના અને વાંધાજનક નિવેદનની ચર્ચાએ ફરી વેગ પકડ્યું છે. ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ એક આપત્તિજનક નિવેદન આપ્યું હતું. મે 2018માં મહારાષ્ટ્રના પાલઘરમાં ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે યોગીને ચંપલથી મારવાની વાત કહી હતી. એ દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધોમાં તિરાડ હતી.
હકીકતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે યોગી આદિત્યનાથે શિવાજીની પ્રતિમાને માળા પહેરાવતી વખતે ચંપલ પહેરી રાખ્યા હતા. તેમણે આવું કરીને શિવાજીનું અપમાન કર્યું હતું. તેમણે આગળ કહ્યું હતું કે આ યોગી ગૅસના બલૂન જેવા છે, જે માત્ર હવામાં ઊડતો રહે છે. આવ્યા અને સીધા મહારાજ પાસે ચંપલ પહેરીને ગયા.એવું લાગી રહ્યું છે કે મારે તેમને એ જ ચંપલથી મારવું જોઈએ.
મુખ્ય પ્રધાન ઠાકરેના આ નિવેદન બાદ યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સત્યને જાણતા નથી. તેમને ઉદ્ધવ ઠાકરે પાસેથી શિષ્ટાચાર શીખવાની જરૂર નથી. મારી અંદર તેમના કરતાં વધારે શિષ્ટાચાર રહેલો છે અને હું વધુ સારી રીતે જાણું છું કે શ્રદ્ધાંજલિ કેવી રીતે આપવી જોઈએ. મારે તેમની પાસેથી કશું શીખવાની જરૂર નથી. નારાયણ રાણેની ધરપકડ બાદ હવે ઠાકરેનું આ નિવેદન ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે.