ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
17 ઓક્ટોબર 2020
યુપીમાં હાથરસ સહિતની રેપની ઘટનાઓના પગલે આખા દેશમાં યુપી સરકાર પર જાગેલા વિવાદની વચ્ચે યુપી સરકારે હવે રાજ્યમાં ‘મિશન અભિયાન’ શરુ કર્યુ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એલાન કરતા કહ્યુ હતુ કે, યુપી પોલીસમાં હવે 20 ટકા જગ્યાઓ મહિલાઓ માટે જ રહેશે. જે રેપનો ભોગ બનેલી પીડિતાઓ માટે સાચી શ્રધ્ધાંજલિ હશે. તેમણે આગળ કહ્યું હતું કે રેપ કરનારાઓ પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તેમને તરત જ સજા આપવામાં આવશે. બળાત્કારીઓ સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં, તેમના ચિત્રો ચોક પર લગાવવામાં આવશે.
યુપી સરકારે શરુ કરેલા ‘મિશન શક્તિ’ અભિયાનમાં 24 સરકારી વિભાગો તેમજ બીજી સામાજિક સંસ્થાઓને જોડવામાં આવશે.યોગીએ કહ્યુ હતુ કે, રેપિસ્ટોના પોસ્ટરો જાહેરમાં લગાવવામાં આવશે. યુપી સરકારનુ ‘મિશન શક્તિ’ અભિયાન 25 ઓક્ટોબર સુધી ચાલશે. આ પછી એપ્રિલ સુધી દર મહિને એક અઠવાડિયા માટે આ અભિયાન ચલાવવામાં આવશે. જેના માટે તારીખ મુજબની થીમ નક્કી કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દર મહિને એક અઠવાડિયા માટે વિશેષ કાર્યક્રમો યોજવામાં આવશે. આ મિશન અંતર્ગત રાજ્યના 24 કરોડ લોકો સુધી પહોંચવા અને મહિલાઓ અને બાળકોને લગતા મુદ્દાઓ પર જાગૃત કરવા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. 'મિશન શક્તિ' અંતર્ગત, 'થીમ મુજબના' સાપ્તાહિક કાર્યક્રમો વિવિધ તબક્કે નિયમિત અંતરાલમાં ચલાવવામાં આવશે.