ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
25 નવેમ્બર 2020
હાલ દેશમાં ધર્મ અથવા બળજબરીથી ધર્મ પરિવર્તનને કારણે થતાં લગ્નને લઈને તણાવપૂર્ણ વાતાવરણ છે. એવા સમયે ઉત્તર પ્રદેશના મુ.પ્ર. યોગી આદિત્યનાથની અધ્યક્ષતાવાળી રાજ્ય મંત્રીમંડળે લવ જેહાદને લઈ નવા કાયદાને મંજૂરી આપી દીધી છે. લાલચ, જુઠ્ઠાણા કે દગાબાજી કરીને ધર્મ પરિવર્તન કરનારાઓ સાથે હવે સરકાર કડક કાર્યવાહી કરશે.
યોગી કેબિનેટે 'ધાર્મિક કન્વર્ઝન પ્રોહિબિશન ઓર્ડિનન્સ 2020 વિરુધ્ધ' કાયદાના મુસદ્દાને મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરીની સાથે જ આ કાયદો અમલમાં આવશે. એકવાર નવો કાયદો લાગુ થયા પછી આવા ગુના બિનજામીનપાત્ર રહેશે. એવી સ્પષ્ટત કરવામાં આવી છે.
ધર્મ પરિવર્તનના બે મહિના પહેલા ડીએમને આની કાયદેસરની જાણ કરવી પડશે. વટહુકમ મુજબ એક ધર્મ માંથી બીજા ધર્મમાં, રૂપાંતરના તમામ પાસાઓ પર જોગવાઈઓ કરવામાં આવી છે. જે મુજબ બે મહિના અગાઉથી જિલ્લા મેજિસ્ટ્રેટને આની જાણ કરવાની રહેશે.
સંબંધિત પક્ષોએ નિર્ધારિત સત્તા સમક્ષ જાહેર કરવું પડશે કે આ રૂપાંતર સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. સંબંધિત લોકોએ એમ કહેવું પડશે કે તેમના પર ક્યાંય પણ કોઈ પ્રકારની લાલચ કે દબાણ નથી. આ કાયદાનું ઉલ્લંઘન થશે તો છ મહિનાથી ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ ગુના માટે લઘુતમ દંડ 10,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે