Vadnagar Amit Shah : વડનગર બનશે અભ્યાસ, ઉત્સુકતા અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર, અમિત શાહે આપી વિવિધ વિકાસ કામોની ભેટ

Vadnagar Amit Shah : અનંત અનાદિ વડનગર - વારસો જીવંત, વિકાસ અનં

by Akash Rajbhar
Vadnagar will become a center of study, curiosity and knowledge, Amit Shah gifted various development works
  • વડનગર આગામી સમયમાં અભ્યાસ, ઉત્સુકતા અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર બનશે : કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ
  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરને મળી વિવિધ વિકાસ કામોની ભેટ – રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો 
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ અને ઐતિહાસિક વડનગર બન્યું વિકાસ અને વિરાસતના સમન્વયનું નગર
  • આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ અને અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનો વિકાસ વૈભવ મેળવતું અનંત અનાદિ વડનગર
  •  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રોત્સાહક ઉપસ્થિતિ
  • -:શ્રી અમિત શાહ:-

  • • વડનગરના સંતાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં અનુભવેલી ગરીબીને કરુણાભાવમાં બદલીને દેશના કરોડો ગરીબ અને છેવાડાના માનવીના ઉત્કર્ષનું પ્રેરણાબળ બનાવ્યું છે
  • • વડનગરનું મ્યુઝિયમ માત્ર પુરાતન સંસ્કૃતિને જ નહિ પરંતુ અહીંના વ્યાપાર, નગરરચના, શિક્ષા અને શાસન-વ્યવસ્થાના યોગદાનને પણ ઉજાગર કરે છે 
  • • નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 2027માં વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે
  • -: શ્રી ધર્મેન્દ્ર પ્રધાન:-

  • વડનગરની સભ્યતા-સંસ્કૃતિ અકલ્પનીય છે. ભારતમાં જીવંત પુરાતત્ત્વીય શહેરો માત્ર ૪-૫ છે અને વડનગર તેમાંનું એક છે
  • -:શ્રી ભૂપેન્દ્ર પટેલ:-

  • ૨૫૦૦થી વધુ વર્ષોની સાંસ્કૃતિક વિરાસત સાથે અનંત અનાદિ વડનગરની આધુનિક યાત્રા એ વિરાસતોના ગૌરવ સમાન
  • પ્રાચીન નગરીઓના ઇતિહાસને વડનગર સુવર્ણ અક્ષરે અંકિત કરશે
  • શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભ્યાસ કર્યો હતો તે વડનગરની પ્રાથમિક શાળાને ‘પ્રેરણા પ્રોજેક્ટ’ હેઠળ અપાયું અધ્યતન રૂપ 
Vadnagar Amit Shah : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરને વિવિધ વિકાસ કામોની ભેટ  મળી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની વતનભૂમિ વડનગર સાથેની નિસ્બતનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, વડનગરના સંતાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં અનુભવેલી ગરીબીને કરુણાભાવમાં બદલી નાખીને દેશના કરોડો ગરીબો, બાળકો, મહિલાઓ, ખેડૂતો, આદિવાસીઓ અને છેવાડાના માનવીના ઉત્કર્ષનું પ્રેરણાબળ બનાવ્યું છે. 
આ પ્રસંગે તેમણે કહ્યું કે, વિશ્વ આખું જેમને નેતા તરીકે સ્વીકારે છે તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરને વૈશ્વિક નકશે મૂકવાનો આજનો આ કાર્યક્રમ છે. વડનગરની અક્ષુણતા અને જીવંતતાએ દેશની સંસ્કૃતિને પ્રભાવિત કરવાનું કાર્ય કર્યું છે.  
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની ગુજરાતના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન તરીકેના જનહિતકારી, વિકાસલક્ષી કાર્યશૃંખલાનો ચિતાર આપતા ઉમેર્યું કે, વડનગરમાં ઉછરેલા મોદીજીના જીવન- કાર્યોને એક ભાષણમાં શબ્દોની મર્યાદામાં વર્ણવા અઘરા છે.  
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ પુરાતન નગરી વડનગરના પુરાતત્ત્વીય વારસાને ઉજાગર કરતું  આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો, તે નવનિર્મિત પ્રેરણા સ્કૂલ અને અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. 
કેન્દ્રીય મંત્રીશ્રીએ હેરિટેજ પ્રિસિન્ડટ ડેવલપમેન્ટ તેમજ બ્યુટીફિકેશનના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ વડનગરમાં જાહેર સભાને સંબોધી હતી. 
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંચ-પ્રણનો સંકલ્પ દેશને લેવડાવ્યો છે, તેમાં વિરાસત પર ગર્વ કરવાનું કહેવાયું છે. વિરાસતના પાયા પર વિકાસની ઇમારત ચણવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતની ગાંધીજી, સરદાર પટેલ અને સ્વામી દયાનંદ સરસ્વતીની વિરાસતને આગળ વધારવાનું કાર્ય કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 
તેમણે વડનગરની વિરાસત અંગે વધુમાં કહ્યું કે, વડનગર હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણ-ત્રણ ધર્મોની તપોભૂમિ અને ઉપાસનાનું કેન્દ્ર રહ્યું છે. જૈન આગમ ગ્રંથ કલ્પસૂત્રનું જનતા માટે પ્રથમવાર વાંચન વડનગરમાં થયું હતું. ચીની યાત્રી હ્યુ એન સાંગે પણ સાતમી શતાબ્દીના વડનગરનું વર્ણન કર્યું છે. 
તેમણે નવનિર્મિત મ્યુઝિયમ સંદર્ભે જણાવ્યું કે, ઇતિહાસ અને પુરાતત્ત્વીય વારસાને એકસાથે નિહાળવાની સુવિધા આપતું આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ વિશ્વમાં બીજે ક્યાંય નથી. વડનગરનું મ્યુઝિયમ વડનગરની માત્ર પુરાતન સંસ્કૃતિ જ નહીં, પરંતુ વ્યાપાર, નગરરચના, શિક્ષા અને શાસન-વ્યવસ્થાના યોગદાનને પણ ઉજાગર કરે છે. આ મ્યુઝિયમે વડનગરની અઢી હજાર વર્ષની યાત્રાને જીવંત કરવાનું કામ કર્યું છે. 
કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, પ્રેરણા સ્કૂલમાં દેશભરમાંથી બાળકો આવીને ભણશે અને રાષ્ટ્ર સેવાની પ્રેરણા મેળવશે. વડનગર આગામી સમયના અભ્યાસ અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર બનશે. 
વડનગરમાં અદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવાયું છે. વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ૨૦૩૬માં ભારત ઓલમ્પિક રમતોની યજમાની કરે તે સંકલ્પની પૂર્તિમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરો તૈયાર કરીને યોગદાન આપશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 2027માં વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે. આઝાદીની શતાબ્દી ઊજવાશે ત્યારે ભારત આપણા સહુના પ્રયાસોને પરિણામે વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનશે અને દરેક ક્ષેત્રે અગ્રિમ રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે. 

કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, વડનગરની ભૂમિ આજે નવું સ્વરૂપ આકાર પામી રહી છે. છેલ્લાં 2500 વર્ષથી આ નગર સભ્યતા-સંસ્કૃતિ – વિરાસતનું કેન્દ્રબિંદુ છે ત્યારે આજે 21મી સદીમાં દેશના વડાપ્રધાન શ્રી માર્ગદર્શનમાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ થયું છે. ગુજરાત એ ઐતિહાસિક ભૂમિ છે. શ્રી નરેન્દ્ર મોદી વડનગરનું અણમોલ રતન છે. 
શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વડનગરની પવિત્ર ભૂમિને નમન કરતા કહ્યું હતું કે, વડનગરની સભ્યતા-સંસ્કૃતિ અકલ્પનીય છે. ભારતમાં જીવંત પુરાતત્ત્વીય શહેરો માત્ર ૪-૫ છે અને વડનગર તેમાંનું એક છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળામાં ‘પ્રેરણા પ્રોજેક્ટ’ અંતર્ગત શિક્ષણના અનેક આયામો હાથ ધરાશે, દેશમાંથી 840 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લવાશે, જેઓ માનવ સભ્યતાના પ્રતીકરૂપે સ્થાનિક વ્યવસ્થાઓના અભ્યાસ કરશે. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અનંત અનાદિ વડનગરનો આ કાર્યક્રમ અનેક આયામોને મૂર્તિમંત કરનારો છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ વડનગર આજે વિશ્વકક્ષાએ પ્રસ્થાપિત થયું છે. ૨૫૦૦થી વધુ વર્ષોની સાંસ્કૃતિક વિરાસત સાથે અનંત અનાદિ વડનગરની આધુનિક યાત્રા એ વિરાસતોના ગૌરવ સમાન છે. બહુચરાજી, અંબાજી, તારંગા જેવા ઉત્તર ગુજરાતના પ્રવાસ વૈવિધ્યમાં વડનગર ઉમેરાયું છે એ આપણા સૌના માટે ગૌરવની વાત છે.
વડનગરને વિકાસકામોની ભેટ મળ્યાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના હસ્તે મળેલા આ કામોના પગલે વડનગર પ્રાચીન નગરીઓના ઇતિહાસને સુવર્ણ અક્ષરે અંકિત કરશે.
પ્રેરણા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડનગરની જે પ્રાથમિક શાળામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભ્યાસ કર્યો હતો તેને ભારત સરકાર દ્વારા ‘પ્રેરણા પ્રોજેક્ટ’ હેઠળ અધ્યતન રૂપ આપવામાં આવ્યું છે.
સાથે સાથે, આર્કિયોલોજિકલ મ્યુઝિયમનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે ખુલ્લા મુકાયેલા મ્યુઝિયમ દ્વારા વડનગરના વારસાને અધ્યતન રૂપમાં લોકો સમક્ષ મુકાશે. તેમાં ટેકનોલોજીનો ઉપયોગ બખૂબી કરાયો છે કે જે મુલાકાતિઓ વડનગરની શેરીઓમાં ફરી રહ્યા હોવાનો જીવંત અનુભવ કરી શકાશે. ભારતીય પુરાતત્વ વિભાગે વડનગરમાં ઉત્ખનન કરી ૨૫૦૦ વર્ષ જૂના બૌદ્ધ મઠના અવશેષો શોધી કાઢ્યા છે. એ ઉપરાંત હજારો વર્ષ જૂની કલાકૃતિઓ ઇતિહાસ પ્રેમીઓ માટે આગવું આકર્ષણ બનશે એમ તેમણે ઉમેર્યું હતું. 
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડનગર રેલ્વે સ્ટેશનનો વિકાસ, ધર્મિષ્ઠા તળાવનું નવીનીકરણ, વડનગરના મકાનો, શેરીઓનો હેરિટેજ ટચ, ટ્રાફિક વ્યવસ્થાપન તથા બ્યુટીફિકેશન માટે પણ રકમ મંજુર કરાઈ છે. આ જ રીતે તાના રીરી મહોત્સવમાં પ્રતિ વર્ષ શાસ્ત્રીય સંગીતકારોના સન્માન વગેરે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. એટલું જ નહીં પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @૨૦૪૭ સાકાર કરવા વડનગરનું પણ વિશેષ યોગદાન રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે સ્ટોરી ઓફ વડનગર નામની પુસ્તિકાનું વિમોચન સૌ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. 
આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી મૂળુભાઈ બેરા, શ્રી હર્ષ સંઘવી, મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી મયંક નાયક, વડાપ્રધાનશ્રીના મોટા ભાઈ અને સામાજિક આગેવાન શ્રી સોમાભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબહેન પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના અગ્રણીઓ શ્રી રઘુવીર ચૌધરી, શ્રી તુષાર શુક્લ, શ્રી ભાગ્યેશ ઝા અને મોટી સંખ્યામાં વડનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More