News Continuous Bureau | Mumbai
- દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપતી ‘વહાલી દીકરી યોજના’
- ઓગસ્ટ-૨૦૧૯ પછી જન્મેલી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધી મળે છે આર્થિક આધાર
- દીકરીઓને ધો.૧ માં પ્રવેશ સમયે રૂ.૪,૦૦૦, ધો.૯ પ્રવેશ સમયે રૂ.૬,૦૦૦ અને ૧૮ વર્ષની વયે પહોંચતી વખતે રૂ.૧ લાખની સહાય મળે છે
Vahali Dikari Yojana: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમ શરૂ કર્યા હતા, જેને વર્તમાન રાજ્ય સરકાર સતત આગળ ધપાવી રહી છે. આ જ દિશામાં રાજ્ય સરકારે ગરીબ પરિવારની દીકરીઓના હિતમાં વર્ષ ૨૦૧૯ માં ‘વહાલી દીકરી યોજના’ લાગુ કરી હતી.
ગુજરાતમાં ગરીબ પરિવારોમાં જન્મેલી દીકરીઓ માટે રાજ્ય સરકાર વહાલી દીકરી યોજના થકી પેરેલલ પેરેન્ટની ભૂમિકા ભજવી રહી છે. રાજ્ય સરકારે એવી અનોખી યોજના અમલમાં મૂકી છે, જેના દ્વારા ગરીબ વ્યક્તિને તેની દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીના પ્રસંગોના ખર્ચને પહોંચી વળવા માટે સરકારની મદદ મળી રહી છે. દીકરી જન્મના એક વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહે છે.
Vahali Dikari Yojana: દીકરીઓને જન્મથી લઈને ૧૮ વર્ષની ઉંમર સુધી સરકારી સહાય
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ, ગરીબ પરિવારોમાં ૨ ઓગસ્ટ, ૨૦૧૯ અથવા તે પછી જન્મેલી દીકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોજનાની જોગવાઈઓ એવી છે કે દીકરી જન્મ્યા બાદ લાભ મેળવવા ફોર્મ ભરી અરજી કરી શકાય છે, પરંતુ ધો.૧ માં પ્રવેશ લીધા પછી જ લાભ મેળવવા પાત્ર બને છે.

Vahali Dikari Yojana Gujarat government becomes foster parent for poor daughterVahali Dikari Yojana Gujarat government becomes foster parent for poor daughter
Vahali Dikari Yojana: દીકરીઓને ૪ હજારથી લઈને રૂ.૧ લાખ સુધીની સહાય
‘વહાલી દીકરી યોજના’ હેઠળ રૂ.બે લાખ કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોની દીકરીઓ માટે તેમના શિક્ષણથી લઈને લગ્ન સુધી આર્થિક આધાર આપવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધો.૧ માં પ્રવેશ સમયે રૂ.૪,૦૦૦, ધો.૯ પ્રવેશ સમયે રૂ.૬,૦૦૦ અને ૧૮ વર્ષની વયે પહોંચતી વખતે રૂ.૧ લાખની સહાય આપે છે. આ સમયગાળા દરમિયાન, જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય, તો રાજ્ય સરકાર તેની પુત્રીને રૂ.૧૦,૦૦૦ ની વધારાની વીમા રકમ પ્રદાન કરે છે.
આ સમાચાર પણ વાંચો:Millets festival: સુરતમાં પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સના મહોત્સવનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ સંબોધન કરશે
Vahali Dikari Yojana: મહત્તમ ૩ બાળકો માટે જ લાભ મળવાપાત્ર
‘વહાલી દીકરી યોજના’નો લાભ એવા દંપતિઓ જ મેળવી શકે છે જેમને વધુમાં વધુ ૩ બાળકો હોય. દંપતિના ૩ બાળકોમાં એક, બે અથવા ત્રણેય પુત્રીઓ હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકાશે, આ જોગવાઈ દ્વારા સરકારે વસ્તી નિયંત્રણને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે. અરજી સંબંધિત મામલતદાર કચેરીમાં થઈ શકે છે.
Vahali Dikari Yojana: અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
(૧) લાભાર્થી દીકરીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
(૨) દીકરીના જન્મનું પ્રમાણપત્ર
(૩) દીકરીના માતા-પિતાનું લગ્નનોંધણી પ્રમાણપત્ર
(૪) દીકરી તેમજ માતા પિતાનું આધારકાર્ડ
(૫) રેશનકાર્ડ
(૬) નિયત નમૂના મુજબ સ્વ-ઘોષણા પત્ર
(૭) દીકરી અથવા માતા/પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ
(૮) લાભાર્થી દીકરીના માતા-પિતાની અથવા એકલ માતા/પિતા/ વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed