News Continuous Bureau | Mumbai
- ‘વહાલી દીકરીઓની…..વહાલી સરકાર’, પાત્રતા ધરાવતી રાજ્યની દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચૂકવાશે
Vahali Dikari Yojana: દીકરી એટલે વહાલનો દરિયો. દેશની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી પોતાનું અને દેશનું નામ રોશન કરી રહી છે. ત્યારે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તથા સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવા માટે વર્ષ ૨૦૧૯થી ગુજરાતમાં ‘વહાલી દીકરી યોજના’ અમલી બનાવાઈ છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૨.૭૮ લાખથી વધુ દીકરીઓની ૩ હજાર કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ જેવા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતા કાર્યક્રમ શરૂ કર્યા હતા. જેને વર્તમાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયા સુપેરે આગળ ધપાવી રહ્યાં છે.
વર્ષ ૨૦૧૯થી કાર્યરત વહાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨,૬૨૨ દીકરીઓ, ૨૦૨૦-૨૧માં ૩૨,૦૪૨ દીકરીઓ, ૨૦૨૧-૨૨માં ૬૯,૯૦૩, ૨૦૨૨-૨૩માં ૫૫,૪૩૩, વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૭,૦૧૨ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૧,૬૪૯ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. જે હેઠળ અત્યાર સુધીમાં ૩ હજાર કરોડથી વધુની સહાયની મંજૂરી આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Delhi Elections 2025 : અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચના વડા પર નિશાન સાધ્યું; કહ્યું રાજીવ કુમારને નોકરી…
Vahali Dikari Yojana: વહાલી દીકરી યોજના અંતર્ગત ૨ ઓગષ્ટ ૨૦૧૯ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા-પિતાની વાર્ષિક આવક ૨ લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરીકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચૂકવાય છે.
જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો રૂ. ૪૦૦૦ ચુકવવામાં આવે છે. દીકરી જ્યારે નવમાં ધોરણમાં પ્રવેશે ત્યોરે યોજનાનો બીજો હપ્તો રૂ. ૬૦૦૦ ચૂકવાય છે. દીકરીની ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે એક લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે સહાય ચૂકવવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટેનું ફોર્મ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતેથી મળી શકેશે. આ ઉપરાંત ગ્રામ પંચાયત VCE દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકાય છે.
ઋચા રાવલ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.