News Continuous Bureau | Mumbai
ગુજરાતના ગાંધીનગર કેપિટલ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ વડાપ્રધાને તાજેતરમાં કર્યુ હતુ. ત્યારે એક જ મહિના જેટલા સમયગાળામાં આ ટ્રેનનો ત્રણવાર અકસ્માત થઈ ચૂક્યો છે. સૌથી પહેલાં અમદાવાદ, ત્યારબાદ આણંદ પાસે અને ત્રીજીવાર વલસાડના અતુલ પાસે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણેય વખતે ટ્રેક પર ઢોર આવી જતા ટ્રેન અથડાઈ હતી.
જોકે વંદે ભારત ટ્રેન સાથે એક પછી એક જાનવરોના ટકરાવવાની ઘટનાએ રેલવે પોલીસને સાવચેત કરી દીધી છે. રેલવે સુરક્ષા દળ (RPF)એ મહારાષ્ટ્રના પાલઘરમાં રેલ માર્ગ સાથે જોડાયેલા ગામના સરપંચોને નોટિસ જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેમાં પાટા પાસે પશુઓને જવા ના દેવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ ઢોરનો માલિક બેદરકારી દાખવે છે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવી ઘટનાઓને કારણે ટ્રેન દુર્ઘટના અને ટ્રેન પાટા પરથી ઉતરી જવાની શક્યતા વધી ગઈ છે. આના કારણે ન માત્ર રેલ વ્યવહારમાં વિક્ષેપ પડે છે અને રેલ્વે સંપત્તિને નુકસાન થાય છે પરંતુ મુસાફરો માટે જોખમ પણ ઉભું થાય છે. સાથે જ તેના કારણે મોટા અકસ્માતો થવાની સંભાવના રહે છે.
આ સમાચાર પણ વાંચો : નાસિક બાદ મુંબઈના આ વિસ્તારમાં ફાટી નીકળી ભીષણ આગ – કેટલાય કિલોમીટર દૂર દેખાયા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડીયો
મહત્વપૂર્ણ છે કે ગત શનિવારે ગુજરાતના અતુલ સ્ટેશન પાસે મુંબઇ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની ઝપટમાં ઢોર આવી ગયું હતું.