News Continuous Bureau | Mumbai
Vejalpur Startup Fest 2.0 :
- ૧૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ, ૫૦થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, ૪૨ સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ,સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા ૪૫૦૦ જેટલા લોકો થયા સહભાગી
- ટેકનિકલ સેશન્સ, સ્ટાર્ટઅપ એક્ઝિબિશન્સ, મેન્ટર્સ સાથે ડિસ્કશન, સ્ટાર્ટઅપ પિચિંગ, લાઈવ ફંડિંગ સહિતના કાર્યક્રમો
-:મુખ્યમંત્રીશ્રી:-
- સ્ટાર્ટઅપ શબ્દ આજે આપણા યુવાઓની ઓળખ બન્યો છે
- *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘માઈન્ડ ટુ માર્કેટ’ના સૂત્ર સાથે દેશમાં સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ વિકસાવી
- વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં દેશના યુવાનો અને સ્ટાર્ટ અપ મહત્ત્વનો ભાગ ભજવશે: ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકર
Vejalpur Startup Fest 2.0 : વેજલપુર મતવિસ્તારમાં વિધાનસભા કક્ષાનો અનોખો સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ
ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પેટીએમના સ્થાપક શ્રી વિજય શેખર શર્મા, બોટ લાઇફ સ્ટાઇલના કો-ફાઉન્ડર શ્રી અમન ગુપ્તાની પ્રોત્સાહક ઉપસ્થિતિમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા કક્ષાના સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ એવા વેજલપુર સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે યોજાયેલા સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ શબ્દ આજે આપણા યુવાઓની ઓળખ બન્યો છે. ક્રિએટિવ થિંકિંગ, આગવી સૂઝ અને અવનવા આઈડિયા સાથે આજના યુવાનો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ડેવલપ કરવા અને યુવા ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માઈન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડવાની આગવી વ્યવસ્થા વિકસાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સદાય યુવાઓની સાથે છે અને તેમને જરૂરી તમામ સહાય પૂરી પાડવા કટિબદ્ધ છે.
આ સમાચાર પણ વાંચો : Central Asian Youth Delegation : ભારતમાં ત્રીજા મધ્ય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળનું આયોજન , 100 સભ્યોનું આ પ્રતિનિધિમંડળ જોડાશે વિવિધ પ્રવૃત્તિઓમાં ..
મુખ્યમંત્રીશ્રીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રની સફળતા વિશે વાત કરતાં જણાવ્યું કે મહિલાઓ પણ આજે વિવિધ સમસ્યાઓનાં અવનવાં સમાધાનો સ્વરૂપે નવા સ્ટાર્ટઅપ લઈને આવી રહી છે. આજે વૈશ્વિકસ્તરે આપણાં સ્ટાર્ટઅપ ઘણી સફળતા મેળવી રહ્યાં છે. સ્પેસ સહિતનાં અવનવાં ક્ષેત્રોમાં આપણા યુવાઓના સ્ટાર્ટઅપ કાઠું કાઢી રહ્યાં છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ દેશની યુવાશક્તિના સામર્થ્યને સાથે લઈને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના વિચારબીજને સાકાર કરવામાં ગુજરાતના યુવાનો મહત્ત્વનું યોગદાન આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વેજલપુર મતવિસ્તાર ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો દેશની યુવાશક્તિમાં અતૂટ ભરોસો છે. વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં દેશના યુવાનો અને સ્ટાર્ટઅપ મહત્ત્વનો ભાગ ભજવશે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યુવાઓના વિચારબીજને નવી દિશા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વેજલપુર મતવિસ્તારમાં યોજાયેલાં વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ૧૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ અને તેની સાથે સંકળાયેલા ૪૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં પોતાના પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવા ૪૨ સ્ટાર્ટઅપને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા.
આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ દરમિયાન લાઈવ પીચ અને લાઈવ ફંડિંગ સ્ટાર્ટઅપ્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ૫૦થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં સ્ટાર્ટઅપ્સ માટે રોકાણકારો સાથે સીધો સંપર્ક, સ્ટાર્ટઅપ પિચિંગ, ઉદ્યોગ નિષ્ણાતોનું માર્ગદર્શન, મુખ્ય માર્ગદર્શક સેશન્સ અને સ્ટાર્ટઅપ એક્સ્પો જેવી વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, સુશ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી હસમુખભાઈ પટેલ, સુશ્રી ડો. પાયલબેન કુકરાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પેટીએમના સ્થાપક શ્રી વિજય શેખર શર્મા, બોટ લાઇફ સ્ટાઇલના કો-ફાઉન્ડર શ્રી અમન ગુપ્તા, ઈન-સ્પેસના જોઇન્ટ સેક્રેટરી શ્રી લોચન સેહરા, SAC-ઇસરો અમદાવાદના ડાયરેકટર શ્રી નિલેશ દેસાઈ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી બારહટ, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.