ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021.
પાલિકાની ચૂંટણી પહેલાં જ રાજકીય પક્ષોમાં નગરસેવકોને પોતાના પક્ષમાં ખેંચી લાવવા સામાન્ય બાબત છે. આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે ત્યારે શિવસેનાએ પોતાની રણનીતિ હેઠળ ભાજપ પર દબાણ લાવવાનું ચાલુ કરી દીધું છે. પાલિકાની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન અને શિવસેનાના નગરસેવક યશવંત જાધવે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે ભાજપના પાલિકાના સિનિયર નેતાઓના કારભારથી ભાજપના નગરસેવકો કંટાળી ગયા છે અને બહુ જલદી તેઓ પોતાના પક્ષને રામ રામ કરી દેવાના છે. ભાજપના અનેક નગરસેવક શિવસેનાના સંપર્કમાં હોવાનો અને ડિસેમ્બર સુધીમાં ભાજપના અનેક નગરસેવકો શિવસેનામાં જોડાઈ જશે એવો દાવો પણ શિવસેનાએ કર્યો છે.
ભાજપે હાલમાં જ પાલિકાની આશ્રય યોજનામાં 1844 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કર્યો હતો. આ આરોપને પગલે સ્થાયી સમિતિના અધ્યક્ષે આ આરોપ સાબિત કરવાની ચૅલેન્જ આપી હતી. તેમ જ પોતાના નગરસેવકોને સંભાળી રાખવાની સલાહ પણ આપી હતી.