News Continuous Bureau | Mumbai
- આકરી મહેનત સપનાઓને હકીકતમાં પલટે છે, જાણો એક યુવા વિદ્યાર્થી કુલદીપસિંહ રાઠોડની સાફલ્યગાથા
ગાંધીનગર, 30 સપ્ટેમ્બર, 2025: નવી પેઢીને કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહન આપવું એ આજે રાષ્ટ્રીય જરૂરિયાત છે, અને આત્મનિર્ભર ભારતનો પાયો છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણકામ વિભાગ તેમજ ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા સ્થાપિત SAPTI (સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ) સંસ્થા રાજ્યના પથ્થરકલા ઉદ્યોગની સંભાવનાઓનો ઉપયોગ કરે છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પરિકલ્પિત વિકસિત ભારત @2047ના મંત્રને અનુસરીને પથ્થરકલા અને શિલ્પ-સ્થાપત્યના મૂલ્યવાન વારસાને આગળ ધપાવે છે.
માનનીય વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને SAPTIનો ઉદ્દેશ ગુજરાતના પથ્થરકલા ઉદ્યોગની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરવાનો તેમજ પથ્થરકલા અને સ્થાપત્યના સમૃદ્ધ વારસાને આગળ ધપાવવાનો છે. રાજ્યએ બે આર્ટિઝન પાર્ક્સ સ્થાપિત કર્યા છે- એક અંબાજી (બનાસકાંઠા જિલ્લો) ખાતે અને બીજો ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર જિલ્લો) ખાતે. ઉત્તર ગુજરાતમાં સ્થિત SAPTI-અંબાજી આરસના શિલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્થિત SAPTI-ધ્રાંગધ્રા રેતી-પથ્થરના શિલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAPTI) એ 2022 અને 2025 દરમિયાન તેના ઉપર્યુક્ત બંને કેન્દ્રો પર કુલ 945 ઉમેદવારોની નોંધણી કરી છે. 30 ઓગસ્ટ, 2025 સુધીમાં, કુલ 307 ઉમેદવારો અંબાજી કેન્દ્રમાંથી સફળતાપૂર્વક સ્નાતક થયા છે. તેવી જ રીતે, ધ્રાંગધ્રા કેન્દ્રમાંથી, 331 ઉમેદવારો સફળતાપૂર્વક સ્નાતક થયા છે.
કુલદીપસિંહ રાઠોડની સાફલ્યગાથા
અંબાજીના યુવાન વિદ્યાર્થી કુલદીપસિંહ પ્રવિણસિંહ રાઠોડે 10મું ધોરણ પૂર્ણ કર્યા પછી સપ્તી અંબાજીમાં સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન કોર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. કુલદીપસિંહ ગરીબ પરિવારમાંથી આવે છે. માસિક ફક્ત ₹22 હજારની આવકમાં તેમના માતા-પિતા અને બે ભાઇઓનું ગુજરાન ચલાવવું પડે છે. આવા પડકારો છતાં, કુલદીપસિંહે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવાનું સ્પષ્ટ સ્વપ્ન જોયું.
તાલીમની શરૂઆતમા અદ્યતન ડિઝાઇન પદ્ધતિઓ અને પથ્થર કોતરણી તકનીકોની સમજ કેળવવામાં તેમને મુશ્કેલી પડી. પરંતુ સતત અભ્યાસ અને સપ્તીના નિષ્ણાત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તેમણે કૌશલ્યની તાલીમ લેવાનું ચાલું રાખ્યું. તેમની ઇચ્છાશક્તિ અને મહેનતથી કુલદીપસિંહ એક નિષ્ણાત કારીગર અને લેથ મશીન ઓપરેટર બન્યા તેમજ પોતાનો વ્યવસાય શરૂ કરવાનો આત્મવિશ્વાસ જાગ્યો.
આજે, તેઓ દર મહિને લગભગ ₹25,000 કમાય છે, જેનાથી તેમના પરિવારને આર્થિક મદદ મળી છે. ભવિષ્યમાં કુલદીપસિંહ પોતાના વ્યવસાયને આગળ લઇ જવા માટે એક ક્રાફ્ટ સ્ટુડિયો બનાવવા માંગે છે જેમાં સર્જનાત્મકતા, પરંપરાગત કળા અને આધુનિક ડિઝાઇનનું મિશ્રણ થઇ શકે. કુલદીપસિંહ માને છે કે સખત મહેનત અને સમર્પણ સૌથી મુશ્કેલ પડકારોને પણ તકોમાં ફેરવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Governor Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહી
સપ્તી દ્વારા એકતા શિલ્પ સિમ્પોઝિયમ 20 જુલાઇથી 8 ઓગસ્ટ 2024 દરમિયાન એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો હતો. સમગ્ર ભારતમાંથી 24 શિલ્પકારોએ આરસપહાણની બેનમૂન કૃતિઓ બનાવી હતી જેમાં પરંપરાગત અને આધુનિક શૈલીઓનો સમન્વય હતો. તેમણે પ્રકૃતિ, જળ અને એકતાની થીમ પર આ કૃતિઓ તૈયાર કરી હતી. આ સિમ્પોઝિયમ દરમિયાન તૈયાર થયેલા 16 શિલ્પોને વડાપ્રધાનશ્રીએ જાહેર જનતાને સમર્પિત કર્યા હતા. આ સિમ્પોઝિયમના માધ્યમથી આ ક્ષેત્રમાં સપ્તીની ભૂમિકા વધુ મજબૂત બનવાની સાથે ભારતના સમૃદ્ધ વારસા વિશે જાગરૂકતા લાવવામાં મદદ મળી હતી.
સપ્તીનો ઉદ્દેશ્ય કૌશલ્ય વિકાસ, શિક્ષણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને દેશની શિલ્પકલાને મજબૂત બનાવીને તેનું જતન કરવાનો છે. 9-10 ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાત (મહેસાણા)માં યોજાનાર આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં આ પહેલ મુખ્ય ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમના પહેલા દિવસે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે.