ત્રિપુરાની ઘટનાના વિરોધમાં મહારાષ્ટ્ર ભડકે બળ્યુઃ અમરાવતી, નાંદેડ અને માલેગાંવમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 13 નવેમ્બર  2021 
શનિવાર.

ત્રિપુરામાં મુસ્લિમ સમાજ સામે થયેલા હિંસાજનક બનાવના પડધા મહારાષ્ટ્ર માં પડ્યા છે. ત્રિપુરામાં મુસ્લિમ સમાજ પર થયેલા હુમલાના વિરોધમાં મહારાષ્ટ્રના અમરાવતી, નાંદેડ, માલેગાંવ અને નાશિકના ગ્રામીણ વિસ્તાર તથા ભિવંડીમાં શુક્રવારે રેલી કાઢવામાં આવી હતી, જેણે હિંસક સ્વરૂપ પકડી લીધી હતી. જેમાં પોલીસ પર પથ્થરમારો કરવાથી લઈને આગ ચાપવાના બનાવ બન્યા છે.આ બનાવમાં અનેક દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને અનેક પોલીસ જખમી થયા હતા. તોફાની ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જની સાથે જ ટીયર ગેસ છોડવા પડયા હતા.

 

આ બનાવના થોડા કલાકોમાં જ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હતો અને નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. હિંસાચાર આચનારાઓ સામે સખત પગલાં લેવાની તેમણે ચેતવણી પણ આપી હતી. 
ત્રિપુરામાં મુસ્લિમ સમાજ પર થઈ રહેલા કથિત અન્યાયના વિરોધમાં મહારાષ્ટ્ર રાજયના જુદા જુદા વિસ્તારમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યા હતા, ત્યારે હિંસાના આ બનાવ બન્યા હતા. જેમાં મુખ્યત્વે અમરાવતી, નાંદેડ, યવતમાળ, માલેગાંવમાં પરિસ્થિતિ હાથ બહાર જતા રહી ગઈ હતી.

રાજયના જુદા જુદા વિસ્તારમાં થયેલા હિંસાચારના બનાવને રાજકીય પક્ષોના નેતાઓએ ચિંતાજનક ગણાવીને વખોડી કાઢયો હતો અને રાજય સરકારને તરત પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાની હાકલ કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી પૂર્ણ, મુખ્યમંત્રી કાર્યાલયે આપી આ જાણકારી; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

અહીં ઉલ્લેખનીય છે કે ઓકટોબરના બીજા અઠવાડિયા દરમિયાન બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા દરમિયાન હિંસાચાર થયો હતો. બાંગ્લાદેશના ચાંદપૂર અને કમિલા જિલ્લામાં દુર્ગાપૂજા દરમિયાન તોડફોડ કરવામાં આવી હતી. દુર્ગાપૂજા દરમિયાન કુરાનનું અપમાન કરવામાં આવ્યું હોવાનો કથિત આરોપ કરીને હિંસાચાર શરૂ થયો હતો. અનેક વિસ્તારમાં આવેલા હિંદુ મંદિરો પર હુમલો કરીને તેને તોડી પાડવામાં આવ્યા હતા. આ બનાવમાં અનેક જણ જખમી થયા હતા. બાંગ્લાદેશની આ દુર્ઘટનાના વિરોધમાં ત્રિપુરામાં વિશ્વ હિંદુ પરિષદે મોર્ચો કાઢયો હતો. આ મોર્ચાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું., જેમાં દુકાનો અને ઘરની તોડફોડ કરવામાં આવી હતી. હિંસા પ્રકરણમાં 102 યુઝર્સ સામે ગુનો પણ નોંધાયો હતો. ત્રિપુરાના આ હિંસક બનાવ સામે મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમાજે શુક્રવારે વિરોધ પ્રદર્શન કર્યા હતા અને રાજયમાં હિંસાના બનાવ નોંધાયા હતા.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment