ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 જુન 2020
મયુર પરીખ
જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં રાબેતા મુજબ શાળાઓ શરૂ કરવામાં આવી છે. કોરોના ને કારણે આ શાળાઓ હર હંમેશ મુજબ શાળાની બિલ્ડિંગમાં નહીં પરંતુ કોમ્પ્યુટરમાં ખુલી છે. વિદ્યાર્થીઓનું ભણતર શરૂ કરવામાં આવ્યું છે. વર્ચ્યુઅલ રીતથી શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે. અનેક શાળાઓ એ ઝૂમ એપ્લિકેશન તેમજ ડાયરેક્ટ વીડિયોના મધ્યમથી વિદ્યાર્થીઓને ભણાવવા માંડ્યા છે. આમ ભણાવતી વખતે રીતસરની હાજરી લેવામાં આવે છે તેમજ બાળકોને સ્કૂલના યુનિફોર્મ માં હાજર રહેવું પડે છે. કોરોના ના વાતાવરણમાં વિદ્યાર્થીને શિક્ષણ આપવાની આ એકમાત્ર પદ્ધતિ છે. જોકે આ રીતે ભણાવવા ને કારણે અનેક વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઇન્ટરનેટની સુવિધા, તેમજ કોમ્પ્યુટર અને મોબાઇલની ઉપલબ્ધતા દરેક વાલી પાસે નથી. બીજી તરફ તમામ શાળાઓએ વિદ્યાર્થી પાસેથી પૈસા વસૂલ કરવાના શરૂ કરી દીધા છે. આશ્ચર્યની વાત એ છે કે શાળાઓ બંધ હોવા છતાં ફીમાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો નથી. આથી વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. નારાજ થયેલા ૭૦ જેટલા અલગ અલગ શાળાના વાલીઓએ ભેગા મળીને એક સંગઠન બનાવ્યું છે. એમ.પી. ફાઉન્ડેશનના નેજા હેઠળ બહુ ટૂંક સમયમાં તેઓ કોર્ટમાં ધા નાખશે.આ સંદર્ભે એમપી ફાઉન્ડેશનના અધ્યક્ષ મિતેશ પ્રજાપતિ એ ગુજરાતી મીડ ડે ને જણાવ્યું કે અમુક વિદ્યાર્થીઓ ત્રીજા ધોરણની નીચે ભણી રહ્યા છે. તેમનું કોમ્પ્યુટર સામે સતત છ કલાક બેસવું યોગ્ય નથી. મારો દીકરો નર્સરી માં ભણે છે. આ ઉપરાંત શાળાઓએ ફી વધારો નથી કર્યો પરંતુ શાળાઓ બંધ છે એ સ્થિતિમાં ફીમાં ઘટાડો કરવો જોઇએ. અમે એક પ્રસિદ્ધ વકીલની સલાહ લઇ રહ્યા છીએ, આ વિષય સંદર્ભે અમે હાઇકોર્ટ ના બારણા ખખડાવવાના છીએ.
બીજી તરફ કપોળ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા એક વિડીયો મેસેજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે જે વાલીઓ અને ફી ભરવામાં મુશ્કેલી પડતી હોય તે વ્યક્તિગત રીતે મેનેજમેન્ટને મળી શકે છે. પરંતુ ફી ઘટાડાની કોઈ વાત નથી. આમ શાળાઓ દ્વારા કોરોના જેવા વિકટ સમયે પણ મનમાની ચાલુ રાખવામાં આવી છે….