ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડીના પ્રધાનોના બધા જ ગોટાળાઓ દિવાળી સુધી સાબિત કરશે એવું દમપૂર્વક કહ્યું છે. દિવાળી સુધીમાં ઉદ્ધવ ઠાકરેની ઇલેવન સેના જેલમાં જશે. એવું સોમૈયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
પરિવહન અધિકારી બજરંગ ખરમાટેને EDએ નોટિસ મોકલી છે. એના આધારે ખરમાટેના સાંગલી જિલ્લાના તાસગાવમાં આવેલા વણઝારવાડી વિસ્તારના ફાર્મ હાઉસ અને અન્ય ઠેકાણેની માલમતાની તપાસ સોમૈયાએ કરી હતી. ત્યાર બાદ સાંગલીમાં આયોજિત પત્રકાર પરિષદમાં ઠાકરે સરકાર પર તેમણે નિશાન સાધ્યું હતું.
બજરંગ ખરમાટે પરિવહનપ્રધાન અનિલ પરબના વિશેષ સચિવ હતા. એથી ૪૦ પ્રૉપર્ટીની બેહિસાબી ૭૦૦ કરોડની માલમતા છે એ ક્યાંથી આવી? એની માહિતી અમે માગી છે. આ સંપત્તિ ખરમાટેની છે કે અનિલ પરબની એ બહુ જ જલદી ખબર પડશે. ઠાકરે સરકારનો એક અનિલ જેલના દરવાજે છે તો બીજા અનિલનું પણ મુહૂર્ત નીકળશે, એવી ટીકા સોમૈયાએ કરી હતી.
સોમૈયાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર આક્ષેપ કર્યો હતો કે ઠાકરેએ ૯૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો મુખ્ય પ્રધાનપદની શપથ લીધાના બીજા જ દિવસે કર્યો છે. એથી આ ઉદ્ધવ ઠાકરેની ઇલેવન સેનાના ભ્રષ્ટાચારને અમે પુરાવા સહિત ઉજાગર કરીશું અને દિવાળી સુધીમાં ઠાકરેની આ સેના જેલમાં જશે એવું સોમૈયાએ કહ્યું હતું.