ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં કોરોનાના દર્દીની સંખ્યામાં વધુ મોટો વધારો થયો નથી. તેથી જો આવી જ પરિસ્થિતિ રહી તો રાજ્યમાં લાદવામાં આવેલા પ્રતિબંધો થોડા હળવા કરવામાં આવે એવી શક્યતા જણાઈ રહી છે.
હાલ દેશ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યું છે. તેમાં કોરોનાના દર્દીની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં નોંધાઈ રહી છે ત્યારે રાજ્યના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ મિડિયાને કહ્યું હતું કે જો કોરોના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં રહેશે, તો ફેબ્રુઆરીમાં રાજ્યમાં કોરોના નિયંત્રણો હળવા કરવામાં આવશે. હાલમાં મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને મરાઠવાડા અને વિદર્ભમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેથી, રાજ્યમાં વધુ 15 દિવસ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે.
રાજેશ ટોપેએ કહ્યુ કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો હતો. જો કે છેલ્લા બે-ત્રણ દિવસમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો નથી. રાજેશ ટોપેના આ નિવેદનથી એવું માનવામાં આવે છે કે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો આગામી થોડા દિવસોમાં રાજ્યમાં ફરીથી નિયંત્રણો હળવા થઈ શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે મહારાષ્ટ્રમાં દિવસનો કર્ફ્યુ અને રાત્રિનો કર્ફ્યુ લાદ્યો છે. આ ઉપરાંત, ઓફિસો અને ઘણા વ્યવસાયોને 50 ટકા ક્ષમતા પર કામ કરવાની સૂચના આપવામાં આવી છે.