ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
સિંધુ બોર્ડર પર પંજાબના લખબીર નામના યુવકની ક્રૂરતાપૂર્વક હાથપગ કાપીને કરાયેલી હત્યા બાદ નિહંગોને ખેડૂત આંદોલનના મોરચા પાસેથી હટાવવાની માગણી થઈ રહી છે. એ માટે મહત્ત્વની મિટિંગ પણ લેવામાં આવવાની છે. 27 ઑક્ટોબરના નિહંગ જૂથે સિંધુ બોર્ડર પર ધાર્મિક એકત્રતા એટલે એક મિટિંગ રાખી છે. એમાં નિહંગોએ સિંધુ બોર્ડર પર રહેવું કે પછી ત્યાંથી ચાલ્યા જવું એ બાબતે નિર્ણય લેવાશે.
સિંધુ બોર્ડર પર બેઠેલા નિહંગ જૂથના પ્રમુખોમાંના એક નિહંગ રાજારામ સિંહના કહેવા મુજબ 27 ઑક્ટોબરના થનારી બેઠકમાં સંત સમાજના તમામ લોકો અને બુદ્ધિજીવો અને સંતો હાજર હશે. આ દરમિયાન સંયુક્ત રૂપે ચર્ચા કરીને જે નિર્ણય લેવાશે તેને નિહંગો માન્ય કરશે.
અહીં ઉલ્લેખનીય છે કે 15 ઑક્ટોબરના દશેરાના સવારના સિંધુ બોર્ડર પર ખેડૂતોનું જ્યાં આંદોલન ચાલી રહ્યું છે ત્યાં તરનતારના લખબીર સિંહની હત્યા કરી દેવામાં આવી હતી. તેણે શ્રી ગુરુગ્રંથ સાહિબનું અપમાન કર્યું હોવાથી તેની હત્યા કરી દેવામાં આવી હોવાની એક નિહંગે કબૂલાત કરી હતી.