ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 નવેમ્બર 2020
દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પહેલા જ વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની ગઈ છે. દિલ્હી અને એનસીઆરમાં ઘણાં સ્થળે એર ક્વોલિટી ઇન્ડેક્સ 450ના આંકને વટાવી ગયો હતો. આજે સવારે ગાઢ ધૂમ્મસ જેવું વાતાવરણ સર્જાયું હતું. જો કે એ ધૂમ્મસ નહીં પણ પ્રદૂષણ હતું. વહેલી સવારે ધૂમ્મ્સ જેવું પ્રદૂષણ એટલું સઘન હોય છે કે ચાર પાંચ ફૂટ દૂરનું કશું નજરે પડતું નથી. ખાસ કરીને દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, આઇટીઓ, રોહિણી, દ્વારકા અને આનંદ વિહાર જેવા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય હતી. સાથે હવાની ગુણવત્તા પણ અત્યંત ખરાબ હતી.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે જણાવ્યા અનુસાર આઇટીઓમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 460થી પણ વધુ હતો. દ્વારકામાં 464, રોહિણીમાં 478, અશોક વિહારમાં 464, જહાંગીર પુરીમાં 491, આનંદ વિહારમાં 468 અને ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર 447 હતો. પર્યાવરણની દ્રષ્ટિએ 401થી 500 સુધીનો ઇન્ડેક્સ સૌથી ઝેરી ગણાય છે અને એ આરોગ્ય માટે ખતરનાક હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય હતો. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો આનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. તેમની તબિયત લથડવાનો ભય છે. આવું માત્ર દિલ્હીમાં નહોતું. નોઇડા અને ગુરુગ્રામમાં પણ આવી જ સ્થિતિ હતી. નોઇડાના સેક્ટર એકમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 458, સેક્ટર નંબર 62માં 473 અને સેક્ટર 116માં 440નો હતો. ગુરુગ્રામ સેક્ટર 51માં 469નો હતો.
નોંધનીય છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે અનેક પગલાઓની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ એક જેવી છે. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. દિલ્હીમાં પ્રદુષણનું સૌથી મોટું કારણ સ્ટ્રો સળગાવવાનું કહેવામાં આવે છે. આ અંગે પડોશી રાજ્યો સાથે પણ વાટાઘાટો કરવામાં આવી છે. આ અંગે કડક કાયદાકીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. તેમ છતાં દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણ નથી આવી રહ્યું.