ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21, સપ્ટેમ્બર 2021
મંગળવાર.
પહેલા મુંબઈ-ગોવા હાઈવેને પહોળો કરવાનું કામ પૂરું કરો, અન્યથા રસ્તાના બીજા કોઈ પ્રોજેકટ હવે પછી અમે કરવા દઈશું નહીં એવા સખત શબ્દોમાં બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને ખખડાવી છે.
કોંકણ જવા માટે ઉપયોગી સાબિત થતો મુંબઈ-ગોવા હાઈવેને ફોર-વે કરવાનું કામ નેશનલ હાઈવે ઓથોરિટી તેમ જ રાજય સરકારે હાથમાં લીધું છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે, છતાં હજી સુધી તે પૂરું થયું નથી. મુંબઈ-ગોવા હાઈવે નંબર 66 પર હદની બહાર રહેલા ખાડાઓને અને રસ્તાની કથળેલી હાલતને ધ્યાનમાં રાખીને એડવોકેટ ઓવીસ પેચકરે મુંબઈ હાઈકોર્ટમાં જનહિતની અરજી કરી છે. વર્ષોથી હાઈવેનું કામ અટવાઈ પડયું હોવાથી રસ્તાનો પ્રવાસ કરનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી આ કામ તાત્કાલિક ધોરણે પૂરું કરવાની માગણી પણ આ અરજીના માધ્યમથી કરવામાં આવી હતી.
લ્યો કરો વાત!! મેરઠમાં એક કાકા ને રસીના પાંચ ડોઝ લાગી ગયા
હાલ મુંબઈ-ગોવા હાઈવે પર વડખળથી ઈંદ્રાપૂર 84 કિલોમીટરમાંથી ફક્ત 12 કિલોમીટરના રસ્તાનું કામ જ હજી પૂરું થયું હોવાનું આ સમયે કોર્ટમાં ધ્યાનમાં લાવવામાં આવ્યું હતું. ધીમી ગતિએ હાઈવેના ચાલી રહેલા કામ સામે કોર્ટે નારાજગી વ્યકત કરી હતી. તાત્કાલિક ધોરણે કામ હાથમાં લઈને તેને જલદી પૂરું કરવામાં નહીં આવે તો બીજા પ્રોજેક્ટ ચાલુ કરવા દઈશું નહીં એવી ચોખ્ખા શબ્દોમાં કોર્ટે સરકારને ચીમકી આપી હતી. તેમ જ હાઈવે પર રહેલા ખાડાઓને પણ ત્રણ અઠવાડિયામાં પૂરી દેવાનો આદેશ આપ્યો હતો.