News Continuous Bureau | Mumbai
World Children’s Day 2025 યુનિસેફ ઇન્ડિયા, એલિક્સિર ફાઉન્ડેશન અને અમદાવાદ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના સંયુક્ત ઉપક્રમે ‘વિકસિત ગુજરાત @૨૦૪૭ માટે બાળઅવાજ’ કાર્યક્રમ યોજાયો
માય ડે, માય રાઇટ્સ’ થીમ સાથે બાળકોને તેમના અધિકારો, જવાબદારીઓ અને સિવિક એન્ગેજમેન્ટ અંગે જાગૃત કરવાનું આયોજન : ‘મોક પાર્લામેન્ટ’ સહિતના કાર્યક્રમો યોજાયા*
પારિવારિક અને સામાજિક બાબતોમાં નાના-નાના યોગદાન થકી બાળકો પણ મોટું પરિવર્તન લાવી શકે છે: એડિ. સીપી શ્રીમતી વિધિ ચૌધરી*
યુનિસેફ ઇન્ડિયાના ચીફ ઓફ ફિલ્ડ સર્વિસીસ સોલેડૅડ હેરેરો, યુનિસેફ ગુજરાતના ચીફ શ્રી પ્રસન્તા દાસની પ્રોત્સાહક ઉપસ્થિતિ*

વિશ્વ બાળ દિન નિમિત્તે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ સેન્ટર ખાતે ‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭ માટે બાળ અવાજ’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી એ કહ્યું કે બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ, આવતીકાલે વટવૃક્ષ બનીને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરશે. આ માટે બાળકોના વિચારોને બહાર લાવવા ‘મોક પાર્લામેન્ટ’ જેવા કાર્યક્રમોને તેમણે મહત્ત્વના ગણાવ્યા હતા.
તા. 20મી નવેમ્બરના રોજ ‘વિશ્વ બાળ દિન’ની ઉજવણીના ભાગરૂપે યુનિસેફ ઇન્ડિયા, એલિક્સિર ફાઉન્ડેશન અને અમદાવાદ સિટી પોલીસના સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના સંયુક્ત ઉપક્રમે અંતર્ગત ‘માય ડે, માય રાઇટ્સ’ થીમ સાથે બાળકોને તેમના અધિકારો, જવાબદારીઓ અને સિવિક એન્ગેજમેન્ટ અંગે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોક પાર્લામેન્ટ તેમજ વિવિધ સંવાદ સત્રો યોજાયા હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે ‘માય ડે, માય રાઇટ્સ’ના સૂત્ર સાથે બાળકોની મોક પાર્લામેન્ટ અંતર્ગત આજે બાળકો પોતાના વિચારો રજૂ કરવાના છે. કોઈ પણ શહેર કે રાજ્ય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી ઊભું થતું નથી, નાગરિકો અને બાળકોની લાગણીઓ સમજવી જરૂરી છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં બાળકોને તેમનાં સપનાઓ સાકાર કરવા અને આગળ વધવા દરેક ક્ષેત્રે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ આચાર્ય તરીકેનાં બાળકો સાથેના તેમનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકોને બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરવા માટે અનુરોધ કરતા તેમણે કહ્યું કે શિક્ષક નવી પેઢીનો નિર્માતા છે. તે એક બાળકને નહીં, દેશનું ભવિષ્ય ઘડે છે તેમ તેમણે જણાવ્યું હતું.
શ્રીમતી વાઘેલાએ ગાંધીજી, સરદાર પટેલ, અબ્દુલ કલામ જેવા મહાનુભાવોના જીવનપ્રસંગો વર્ણવીને વિદ્યાર્થીઓને પોતાના હકો અને ફરજો પ્રત્યે સભાનતા કેળવવા, રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આગળ વધવા અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો નિભાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વાંચનનું અગત્ય સમજાવી, મોબાઇલનો ઉપયોગ કંઈક નવું શીખવા માટે કરવા અને પોતાનાં સપનાં પૂરા કરવા સતત પરિશ્રમ કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના અતિથિ વિશેષ એડિશનલ કમિશનર ઓફ પોલીસ(સ્પેશિયલ બ્રાન્ચ) શ્રીમતી વિધિ ચૌધરીએ જણાવ્યું કે ભવિષ્યના નાગરિકો તૈયાર કરવા માટે અમદાવાદ સિટી પોલીસ સતત પોતાનું યોગદાન આપે છે. શહેર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) કાર્યક્રમમાં બાળકોને ઘણી રચનાત્મક પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે. નાગરિકોના અધિકારો અને ફરજો અંગે બાળકોને બાલ્યાવસ્થાથી જ તૈયાર કરવા પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણી યુવા પેઢી મહત્ત્વનો ભાગ ભજવવાની છે.
તેમણે રામસેતુના નિર્માણમાં એક ખિસકોલીના યોગદાનનું ઉદાહરણ આપી કહ્યું કે બાળકો પણ પારિવારિક અને સામાજિક બાબતોમાં નાના-નાના યોગદાન થકી મોટું પરિવર્તન લાવી શકે છે. રાઇટ ટુ વોઇસ, રાઇટ ટુ એક્સપ્રેશન અંતગર્ત માતાપિતા કેવી રીતે બાળકોને કેળવણી આપી શકે તેના વિશે તેમણે વિગતે સમજણ આપી હતી
આ અવસરે ઉપસ્થિત યુનિસેફ ઇન્ડિયાના ચીફ ઓફ ફિલ્ડ સર્વિસીસ સોલેડૅડ હેરેરોએ બાળકોને ચેન્જ મેકર્સ ગણાવતાં જણાવ્યું હતું કે ‘માય ડે, માય રાઇટ્સ’ માત્ર સૂત્ર ન બની રહે તે માટે તેને ખરા અર્થમાં સાર્થક કરવા આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવાનું છે. વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનાવવા બાળકોના અધિકારોનું રક્ષણ અને બાળકોને તેમના વિકાસ માટે જરૂરી તમામ સંસાધનો પૂરાં પાડવા આપણે સૌએ સાથે કામગીરી કરવી જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે બાળકોને સવાલો પૂછતા રહેવા અને જિજ્ઞાસાવૃત્તિ જિવંત રાખવા અનુરોધ કર્યો હતો.
વિશ્વ બાળ દિન ઉજવણી પ્રસંગે યુનિસેફ ગુજરાતના ચીફ શ્રી પ્રસન્તા દાસે વિશ્વ બાળ દિવસની ઉજવણીનું મહત્ત્વ, તેની શરૂઆત, આ ઉજવણી અંતર્ગત યોજાતા કાર્યક્રમો તેમજ યુનિસેફ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ડીસીપી ટ્રાફિક(ઇસ્ટ) અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC)ના નોડલ અધિકારી શ્રી નરેશકુમાર કણઝરિયાએ આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC)ની સ્થાપના અને ઉદ્દેશો વિશે વિગતવાર વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું કે સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) કાર્યક્રમમાં ૧૧૦૫ શાળાઓ જોડાયેલી છે. અત્યાર સુધીમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ બે વર્ષની કેડેટ તરીકે તાલીમ પણ મેળવી છે. જેમાં બાળકોને અલગ અલગ પાંચ ભાગમાં સુરક્ષા અને અધિકારો, દેશની સુરક્ષામાં વિદ્યાર્થીઓનું યોગદાન, જીવનમૂલ્યો, જાતીય સતામણી, કેફી દ્રવ્યોના દૂષણને અટકાવવું, તરુણાવસ્થાના ફેરફારો, જેન્ડર ઈક્વાલિટી સહિતનું માર્ગદર્શન આપવામાં આવે છે. ભવિષ્યના જાગૃત અને જવાબદાર નાગરિક બનાવવાનો આ કાર્યક્રમનો ઉદ્દેશ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Nepal: નેપાળમાં ફરી શરૂ થયો ‘જનરેશન Z’ નો વિરોધ, અનેક શહેરોમાં કર્ફ્યુ લાગુ
આ કાર્યક્રમમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના સહનોડલ એસીપી વાણી દૂધાત, એલિક્સિર ફાઉન્ડેશનના કૃણાલ શાહ, ટ્રેનર કુમાર મનીષ, યુનિસેફ ગુજરાતના કર્મચારીઓ, પોલીસકર્મીઓ, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.