Tag: Government Grant

  • Farmer Registry Portal: ગુજરાતમાં ૩૩ લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરી, ૫૦% નોંધણી પૂર્ણ પર ખેડૂતોને મળશે વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ…

    Farmer Registry Portal: ગુજરાતમાં ૩૩ લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરી, ૫૦% નોંધણી પૂર્ણ પર ખેડૂતોને મળશે વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ…

    News Continuous Bureau | Mumbai

    • રાજ્યમાં ૬૬ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે ૩૩ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ
    • લક્ષ્યાંક સામે ૫૦ ટકા નોંધણી પૂર્ણ થતા ભારત સરકાર તરફથી ગુજરાતને મળશે રૂ. ૧૨૩.૭૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ
    • ખેડૂતોની નોંધણીમાં નવસારી, ડાંગ અને જૂનાગઢ જિલ્લો અગ્રેસર; જિલ્લામાં ક્રમશઃ ૭૪ ટકા, ૭૧ ટકા અને ૬૬ ટકા નોંધણી પૂર્ણ

    Farmer Registry Portal: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના ૬૬ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના ૩૩ લાખથી વધુ ખેડૂતો એટલે કે, ૫૦ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે.

    ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે. ગુજરાતે દેશમાં સૌપ્રથમ ૫૦ ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’ તરીકે રૂ. ૧૨૩.૭૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે. અગાઉ પણ ગુજરાતને ૨૫ ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી રૂ. ૮૨ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ પ્રોત્સાહક ગ્રાન્ટનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં કરવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો:Vaishnav Ekta Mahotsav: ઉત્તર મુંબઈના ઘરઆંગણે દ્વારકેશલાલજી મહોદય શ્રીનાં 50 વર્ષની સુવર્ણ ઉજવણી, આ દિવસે વલ્લભકુળના 50 આચાર્યો એક સાથે એક મંચ પર પુષ્ટી ધ્વજ ફરકાવશે.

    Farmer Registry Portal: રાજ્ય સરકારના પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી વધુ વેગવાન બની છે. ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોની નોંધણીમાં ૭૪ ટકા કામગીરી સાથે નવસારી જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. જ્યારે, ૭૧ ટકા નોંધણી સાથે ડાંગ જિલ્લો બીજા ક્રમે અને ૬૬ ટકા નોંધણી સાથે જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત સુરત અને ભરૂચ જિલ્લામાં પણ ૬૩-૬૩ ટકા ખેડૂત નોંધણી પૂર્ણ થઈ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ફાર્મર રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ એક ૧૧ ડિજિટની યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડી.ના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શકતાપૂર્વક અને સમયસર મળશે. ભારત સરકારની સૂચના અનુસાર ગુજરાતમાં ફાર્મર રજીસ્ટ્રી આગામી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.