News Continuous Bureau | Mumbai
Bardoli : રાજ્ય સરકાર દ્વારા રાજયભરના ખેડૂતોને રાસાયણિક ખેતી ત્યજીને પ્રાકૃતિક ખેતી ( Natural farming ) કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના આત્મા પ્રોજેકટ હેઠળ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તાલીમ સાથે માર્ગદર્શક શિબિરો યોજવામાં આવી રહી છે. ત્યારે જિલ્લામાં હજારો ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેવા ખેડુતની વાત કરીએ તો બારડોલી તાલુકાના મસાડ ગામના ખેડૂત નિલેશભાઈ પટેલે ( Nileshbhai Patel ) ૨૦૧૯થી પ્રાકૃતિક કરીને આંબાની ખેતીમાં સારી આવક મેળવી રહ્યા છે. આશરે ૧૪ વિઘામાં પથરાયેલા ૧૪૦૦ આંબામાં નિલેશભાઈએ કેસર, જમ્બો કેસર, લંગડો, તોતા પૂરી, દશેરી, આમ્રપાલી જેવી કેરીની વિવિધ જાતોનું વાવેતર કયું છે. જેમાં ઘરબેઠા વેચાણ દ્વારા જ તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે.

પ્રાકૃતિક ખેતી વિષે વાત કરતા નિલેશભાઈ જણાવે છે કે, ઝેરી રસાયણોના ઉપયોગને કારણે પાક, જમીન, પર્યાવરણ અને સમગ્ર માનવજાતિને થતા નુકસાનથી બચવા અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. જેમાં રક્ષાકવચ, જીવામૃત્ત, ડી કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ જેવી પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરવાથી અમારી જમીન પોચી અને ફળદ્રુપ થઈ છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા સુધરતા આંબાને પોષણ સારું મળવાથી કેરીનો પાક ( Mango crop ) , તેનું ફળ અને તેની મિઠાસ વધે છે જેથી તેની માંગમાં પણ વધારો થયો છે. અને વેચાણ સારું આવવાથી અમારી આવકમાં ધરખમ વૃદ્ધિ થઇ છે.

આ વિષે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, અમારી કેરી ( Mango Cultivation ) ઝેરી રસાયણો મુક્ત અને ઉત્તમ ગુણવત્તા ધરાવતી હોવાને કારણે ઘરબેઠા જ તેનું વેચાણ થઈ જાય છે. અમારા અને આસપાસના ગામોના લોકો પહેલેથી જ પોતાનો ઓર્ડર નોંધાવી દેતા હોવાથી અમારે ક્યારેય વેચાણ અર્થે ગામની બહાર જવું પડતું નથી.
આ સમાચાર પણ વાંચો : Mangal Prabhat Lodha: મહારાષ્ટ્રને કૌશલ્ય સમૄધ્ધ બનાવવા ત્રણ મહિનામાં શ્રેણીબધ્ધ રોજગાર મેળાઓ યોજાશે : મંત્રી મંગલ પ્રભાત લોઢા
આંબાની ( Mango ) માવજત અંગે વિસ્તારમાં વાત કરતા તેમણે કહ્યું કે, આંબાના થડની સાફ સફાઇ રાખવી ખૂબ આવશ્યક છે. જે માટે વર્ષમાં એક વાર ઓર્ગેનિક ખોળ અને થડના મૂળમાં મંટોળું નાંખવાથી ઝાડની મજબૂતાઈ સારી રહે છે. વરસાદ ચાલુ થાય ત્યારે ૨૧ દિવસને આંતરે અમે જીવામૃત નાંખીએ છીએ. તેમજ વરસાદ પહેલા અને પછી લીંબોળીના તેલો સ્પ્રે કરવાથી જીવજંતુઓ દુર રહે છે. સાથે જ ચોમાસામાં ઝાડની આજુબાજુથી બિનજરૂરી વનસ્પતિનો એક વાર નિકાલ કરી છીએ જેથી બિનજરૂરી વેલા વધી ઝાડને વિટળાઈ ન જાય.

વધુમાં તેમણે કહ્યું કે, કેરી આવતા પહેલા આંબા પર ફૂલ આવે ત્યારે અને કેરી લખોટા જેવી થાય ત્યારે એક વાર આંબાને પાણી આપવું જરૂરી છે. ત્યારબાદ જો વરસાદ પાછો ખેંચાય તો જ ફરી પાણી આપવું. વર્ષે એક વાર દરેક આંબાની ડાળખીઓનું પૃનિંગ પણ કરવું જરૂરી છે જેથી વર્ષ દરમિયાન આંબાનો વિસ્તાર સારો વધે છે.

પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશહાલ નિલેશભાઈ પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
